TAT પરીક્ષા વિવાદ: 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં 500 જગ્યાઓ ખાલી રાખવા રજૂઆત

ગુજરાતમાં 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીને લઈને ચાલી રહેલા TAT (ટિચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ) પરીક્ષા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે રજૂઆત કરી છે કે, કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કોર્ટમાં અરજી કરનારા ઉમેદવારો માટે 500 જગ્યાઓ અનામત રાખીને બાકીની 10,500 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવે. સરકારનું કહેવું છે કે આ રીતે ભરતી પ્રક્રિયા અટકી નહીં જાય અને અંતિમ ચુકાદા બાદ બાકીની જગ્યાઓ અંગે નિર્ણય લઈ શકાય. રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતી માટે યોજાયેલી TAT પરીક્ષાના પ્રશ્નપત્રમાં પ્રથમ 18 પ્રશ્નો ખોટા હોવાનો આક્ષેપ કરીને સેંકડો ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. ઉમેદવારોનું કહેવું છે કે જો આ પ્રશ્નોના ગુણ આપવામાં આવે તો મેરિટમાં ફેરફાર થઈ શકે છે…