લિફ્ટ અકસ્માતોને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લિફ્ટમાં સર્જાતા અકસ્માત માટે માત્ર એક જ પક્ષને જવાબદાર ઠેરવી શકાય નહીં. લિફ્ટ બનાવનાર કંપની, તેની જાળવણી કરતી એજન્સી તેમજ બિલ્ડિંગ માલિક અથવા મેનેજમેન્ટની પણ જવાબદારી નક્કી થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આજના સમયમાં લિફ્ટ માત્ર એક સુવિધા નથી, પરંતુ લોકોના રોજિંદા જીવન સાથે સીધી રીતે જોડાયેલું સુરક્ષા સાધન છે. તેથી લિફ્ટની ડિઝાઇન, સ્થાપન, નિયમિત તપાસ અને જાળવણીમાં બેદરકારી દાખવનાર દરેક પક્ષ સામે જવાબદારી નક્કી કરી શકાય છે.
લિફ્ટને ‘Common Carrier’ તરીકે ગણાવી મહત્વપૂર્ણ ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે લિફ્ટને જાહેર પરિવહનના સાધન સમાન ગણાવી તેને ‘Common Carrier’ તરીકે વ્યાખ્યાયિત કરી છે. કોર્ટનું કહેવું છે કે લિફ્ટમાં મુસાફરી કરનાર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી માત્ર લિફ્ટ ઓપરેટર સુધી મર્યાદિત નથી રહેતી.
લિફ્ટ બનાવતી કંપનીએ ખાતરી કરવી પડશે કે તેની બનાવટ સુરક્ષાના તમામ ધોરણોને અનુરૂપ છે. જ્યારે જાળવણી કરતી એજન્સીની ફરજ છે કે તે સમયસર તપાસ કરે, ખામીઓ દૂર કરે અને લિફ્ટને સુરક્ષિત સ્થિતિમાં જ કાર્યરત રાખે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ કંપની અથવા સંસ્થા લિફ્ટમાં રહેલી ખામી વિશે જાણતી હોવા છતાં તેને દૂર કરવા માટે જરૂરી પગલાં લેતી નથી અને તેના કારણે અકસ્માત સર્જાય છે, તો તેને બેદરકારી માનવામાં આવશે.
2003ના દિલ્હીના લિફ્ટ અકસ્માત સાથે જોડાયેલો હતો કેસ
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય વર્ષ 2003માં દિલ્હીના CGO કોમ્પ્લેક્સ સ્થિત રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) કાર્યાલયમાં બનેલા લિફ્ટ અકસ્માત સાથે જોડાયેલો છે.
આ ઘટનામાં લિફ્ટ નંબર-6માં 13 લોકો સવાર હતા. અચાનક લિફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતા તે અટકી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન રાજદ્વારી અધિકારી વિપિન હાંડા લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે લિફ્ટ અચાનક ચાલુ થઈ ગઈ હતી, જેના કારણે તેમનું દુઃખદ મોત થયું હતું.
આ ઘટનાએ લિફ્ટની સુરક્ષા વ્યવસ્થા અને જાળવણી અંગે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા.
તપાસમાં સામે આવી હતી અનેક ટેક્નિકલ ખામીઓ
અકસ્મા બાદ કરવામાં આવેલી ટેક્નિકલ તપાસમાં અનેક મહત્વપૂર્ણ બાબતો સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે અકસ્માતગ્રસ્ત લિફ્ટ અગાઉ પણ વારંવાર બંધ પડી જતી હતી.
આ ઉપરાંત લિફ્ટમાં વોલ્ટેજના ઉતાર-ચઢાવ, યોગ્ય જાળવણીનો અભાવ અને લિફ્ટ ઓપરેટરને પૂરતી તાલીમ ન હોવા જેવી ખામીઓ પણ સામે આવી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખીને જવાબદારી નક્કી કરવામાં આવી હતી.
NCDRCએ અગાઉ નક્કી કરી હતી જવાબદારી
આ કેસમાં અગાઉ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (NCDRC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો હતો. NCDRCએ લિફ્ટ બનાવનાર કંપની OTIS પર 70 ટકા, મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસિસ (MES) પર 25 ટકા અને R&AW પર 5 ટકા જવાબદારી નક્કી કરી હતી.
સાથે જ પીડિત પરિવારને રૂ. 3.01 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને પડકારતા મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
સુરક્ષા ધોરણોનું પાલન કરવું ફરજિયાત
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ લિફ્ટનો ઉપયોગ કરતી સંસ્થાઓ, બિલ્ડિંગ માલિકો અને લિફ્ટ કંપનીઓ માટે જવાબદારી વધુ સ્પષ્ટ બની છે. હવે માત્ર લિફ્ટ સ્થાપિત કરવી પૂરતી નહીં ગણાય, પરંતુ તેની નિયમિત સર્વિસિંગ, સુરક્ષા તપાસ અને યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરવી જરૂરી રહેશે.
નિષ્ણાતોના મતે, આ નિર્ણય રહેણાંક ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સરકારી કચેરીઓ અને અન્ય સ્થળોએ લગાવવામાં આવેલી લિફ્ટોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.
બિલ્ડિંગ માલિકોની જવાબદારી પણ નક્કી થશે
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થયું છે કે જો બિલ્ડિંગ માલિક અથવા મેનેજમેન્ટ લિફ્ટની જાળવણીમાં બેદરકારી દાખવે છે અથવા ખામી હોવા છતાં તેનો ઉપયોગ ચાલુ રાખે છે તો તેઓ પણ જવાબદાર ગણાઈ શકે છે.
આ નિર્ણયથી બિલ્ડિંગ માલિકો અને મેનેજમેન્ટ માટે પણ એક સ્પષ્ટ સંદેશ ગયો છે કે લોકોની સુરક્ષા સાથે જોડાયેલી બાબતોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નહીં બને.
લિફ્ટ સુરક્ષા માટે નવા માપદંડનો માર્ગ ખુલ્યો
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો લિફ્ટ અકસ્માતોના કેસોમાં ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે. આ નિર્ણયથી પીડિતોને ન્યાય મેળવવામાં મદદ મળશે અને લિફ્ટની સુરક્ષા અંગે જવાબદારી વધુ સ્પષ્ટ થશે.
કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયથી લિફ્ટ બનાવતી કંપનીઓ, મેઈન્ટેનન્સ એજન્સીઓ અને બિલ્ડિંગ માલિકોને હવે વધુ જવાબદારીપૂર્વક કામ કરવું પડશે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





