ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક સંબંધિત રજૂઆતોની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી માટે અહેવાલ રજૂ કરવાની પણ છે. સાથે જ વિભાગ વિવિધ ખાતાઓની કાર્યપદ્ધતિની સમીક્ષા કરીને પારદર્શિતા અને ગુણવત્તા સુધારવા માટે પણ કામગીરી કરે છે. લેખિત અથવા ઈ-મેઇલથી પણ કરી શકાય રજૂઆત નાગરિકો પોતાની લેખિત ફરિયાદ વિજિલન્સ ખાતું, પહેલો માળ, C-બ્લોક, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ – 380001 ખાતે જમા કરાવી શકે છે. ઉપરાંત vigilance@ahmedabadcity.gov.in પર ઈ-મેઇલ દ્વારા પણ ફરિયાદ અથવા રજૂઆત મોકલી શકાય છે. દસ્તાવેજી પુરાવા તપાસને વધુ અસરકારક બનાવે છે ફરિયાદ સાથે સંબંધિત દસ્તાવેજો, ફોટોગ્રાફ, વીડિયો અથવા અન્ય આધારભૂત માહિતી રજૂ કરવામાં આવે તો તપાસ વધુ અસરકારક બની શકે છે. અંતિમ નિર્ણય તપાસમાં સામે આવેલા તથ્યો અને સક્ષમ સત્તાના નિર્ણય પર આધારિત રહે છે. ઉચ્ચ અધિકારીનો દાવો: વિજિલન્સ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, “વિભાગને મળતી દરેક રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવે છે. પ્રાથમિક ચકાસણી બાદ તથ્યોના આધારે તપાસ કરવામાં આવે છે અને જ્યાં જરૂરી હોય ત્યાં સક્ષમ સત્તાને નિયમ મુજબ કાર્યવાહી માટે અહેવાલ મોકલવામાં આવે છે. કોઈપણ ફરિયાદ માત્ર કાગળ સુધી મર્યાદિત ન રહે, તે માટે પ્રક્રિયાત્મક દેખરેખ રાખવામાં આવે છે.”   Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive  X : https://x.com/bindia276  

AMC ના ડે.મ્યુનિ.કમિશનર અને એસ્ટેટ ઓફિસરને કોર્ટનું તેડું, ખુલાસો કરવા તાકીદ!

પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદના ઘુમામાં ખેતીની જમીન પર ગેરકાયદે બાંધકામ અને વહીવટી પ્રક્રિયામાં વિલંબના આક્ષેપ મુદ્દે મિર્ઝાપુર કોર્ટે ખુલાસો માંગ્યો; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૨૩(૧) હેઠળ સુનાવણી. અમદાવાદના ઘુમા વિસ્તારમાં ખેતીલાયક જમીન પર થયેલા કથિત ગેરકાયદે બાંધકામ અને તેને દૂર કરવાની વહીવટી પ્રક્રિયામાં થયેલા વિલંબના મામલે ન્યાયિક હસ્તક્ષેપ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના દક્ષિણ – પશ્ચિમ (South West) ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વિરુદ્ધ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે કારણદર્શક નોટિસ જારી કરી છે. આ કેસ નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ઘનશ્યામ એચ. દેસાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદ પર આધારિત છે, જેમાં સરકારી આદેશોના પાલનમાં નિષ્ક્રિયતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, ઘુમાના સર્વે નંબર ૮૦૮ ની જમીન મહેસૂલી રેકોર્ડમાં ખેતીની જમીન તરીકે નોંધાયેલી છે. આ જમીન પર ‘શ્રી ફાર્મ-૮૦૮’ નામનો પાર્ટી પ્લોટ અને ૯ દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિગતવાર: 1]. નાયબ કલેક્ટરનો આદેશ (૧૯/૧૦/૨૦૨૪): નાયબ કલેક્ટરે સ્પષ્ટપણે નોંધ્યું હતું કે જમીન ખેતીની છે અને ત્યાં વાણિજ્ય હેતુ માટે થયેલું બાંધકામ અનઅધિકૃત છે. તેમણે ૧૦.૫૭ લાખથી વધુનો દંડ ફટકારવાની સાથે બાંધકામ દૂર કરી જમીન ખુલ્લી કરવા હુકમ કર્યો હતો. 2]. જાન્યુઆરી-માર્ચ ૨૦૨૫: મામલતદાર કચેરી દ્વારા આ આદેશના અમલીકરણ અંગે AMC ને લેખિત સ્મૃતિપત્રો મોકલવામાં આવ્યા હતા. 3]. ઓગસ્ટ ૨૦૨૫: AMC દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, જમીન માલિકે બાંધકામ સ્વૈચ્છિક રીતે દૂર કરવાની બાંહેધરી આપી હતી. ફરિયાદીના આક્ષેપો અને પુરાવા ફરિયાદીનો પક્ષ છે કે વહીવટી આદેશો અને જમીન માલિકની બાંહેધરી છતાં સ્થળ પર વાસ્તવિક સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ફોટોગ્રાફ્સ અને વીડિયો ફૂટેજ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે કમર્શિયલ પ્રવૃત્તિઓ અને ગેરકાયદે માળખું હજુ પણ અસ્તિત્વમાં છે. આ પરિસ્થિતિને ફરિયાદીએ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 198 હેઠળ જાહેર સેવક દ્વારા કાયદાકીય નિર્દેશોની અવગણના તરીકે વર્ણવી છે. કોર્ટનું અવલોકન અને આગામી પ્રક્રિયા મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કેસની પ્રાથમિક વિગતો અને રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ૨૫ ફેબ્રુઆરીએ હુકમ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે: પ્રથમ દૃષ્ટિએ જમીનનો ઉપયોગ કૃષિ હેતુથી વિપરીત થઈ રહ્યો હોવાનું જણાય છે. કોઈપણ ફોજદારી કાર્યવાહી શરૂ કરતા પહેલા સંબંધિત પક્ષકારોને સાંભળવા ન્યાયના હિતમાં અનિવાર્ય છે. આથી, કોર્ટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૨૨૩(૧) હેઠળ આરોપી અધિકારીઓને નોટિસ પાઠવી છે, જેથી તેઓ આ વિલંબ પાછળના કારણો અને તેમની કામગીરી અંગે સ્પષ્ટતા કરી શકે. વહીવટી અને જાહેર અસરો આ કેસ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યપ્રણાલી અને આદેશોના અમલીકરણની પ્રક્રિયા પર પ્રકાશ પાડે છે. સામાન્ય રીતે વહીવટી પ્રક્રિયાઓમાં થતા વિલંબ પાછળ અનેક ટેકનિકલ અથવા કાયદાકીય કારણો હોઈ શકે છે, જે હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. બીજી તરફ, સ્થાનિક રહીશો જાહેર ન્યુસન્સ અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિની અપેક્ષા રાખી રહ્યા છે. નોંધનીય છે કે, હવે જોવાનું એ રહ્યું કે આગામી સુનાવણી દરમિયાન AMC ના અધિકારીઓ કોર્ટ સમક્ષ કેવા પ્રકારના ખુલાસા રજૂ કરે છે અને તંત્ર દ્વારા આદેશ મુજબની બાકી કામગીરી અંગે કેવા પગલાં લેવામાં આવે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in