દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર પૈકી એક છે. આ તહેવાર દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતીક છે. ભગવાન શ્રી રામે રાવણનો સંહાર કર્યો હતો અને દેવી દુર્ગાએ મહિષાસુરનો વિનાશ કર્યો હતો – આ બંને ઘટનાઓ ઉજવીને દશેરા મનાવવામાં આવે છે.
દશેરા માત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે એટલું જ નહીં, પણ આ દિવસ એ નવો આરંભ કરવાનો, શસ્ત્ર પૂજા, વાહન પૂજા અને નોકરી-ધંધામાં પ્રગતિ માટે શુભ દિવસ માનવામાં આવે છે.
દશેરા 2025 ક્યારે છે?
હિન્દુ પંચાંગ અનુસાર, આસો મહિનાની શુક્લ પક્ષ દશમી તિથિ:
પ્રારંભ: 1 ઓક્ટોબર 2025, બુધવાર – સાંજે 7:01 કલાકે
સમાપ્તિ: 2 ઓક્ટોબર 2025, ગુરુવાર – સાંજે 7:10 કલાકે
ઉદયાતિથિ મુજબ દશેરા 2 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે.
દશેરા 2025ના મુખ્ય શુભ મુહૂર્ત
– શ્રી રામ પૂજા મુહૂર્ત
સવાર 11:46 થી બપોરે 12:34 વાગ્યા સુધી
આ અભિજિત મુહૂર્ત દરમિયાન શ્રી રામ અને માતા સીતાની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે.
– શસ્ત્ર પૂજા મુહૂર્ત
બપોરે 1:21 થી 3:44 વાગ્યા સુધી
વિજય મુહૂર્ત: બપોરે 2:09 થી 2:56 વાગ્યા સુધી
શસ્ત્ર પૂજા, વાહન પૂજા અથવા નવો વેપાર શરૂ કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે.
– રાવણ દહન મુહૂર્ત
સાંજે 6:05 વાગ્યે
પ્રદોષ કાળ દરમ્યાન રાવણ દહન કરવું ઉત્તમ માનવામાં આવે છે. આ સમય ભગવાન શિવને અર્પિત છે અને રાવણ પણ શિવનો ભક્ત હતો, તેથી આ સમય વિશેષ પવિત્ર ગણાય છે.
દશેરા 2025નું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ
દશેરાનો દિવસ અબુજ મુહૂર્ત હોય છે – એટલે કે કોઈ પણ શુભ કાર્ય માટે પંડિતની સલાહ વગર પણ શરૂઆત કરી શકાય છે. શમી વૃક્ષની પૂજા અને પાન વિતરણ કરવાની પરંપરા સુખ-સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. આ દિવસે શત્રુઓ પર વિજય, કાર્યક્ષેત્રમાં સફળતા અને ઘરેલુ સુખ-શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. શસ્ત્ર અને સાધનોની પૂજા કરીને પોતાના વ્યવસાય અથવા કારકિર્દીમાં નવી ઊંચાઈએ પહોંચવાના સંકલ્પ લેવાય છે.
દશેરા 2025ના શુભ કામો:
નવા ઘરની સ્થાપના
વાહન ખરીદી
વ્યવસાય શરૂ કરવો
જમીન કે મિલકત ખરીદવી
સાધન સમાન અથવા શસ્ત્રોની પૂજા
દશેરા એ માત્ર તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, ધર્મ અને શૂરવીરતાનું પ્રતિક છે. વર્ષ 2025માં આ તહેવાર ગુરુવાર, 2 ઓક્ટોબરના રોજ ઉજવાશે. જીવનમાં નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે આ દિવસ શ્રેષ્ઠ અવસર છે. શ્રી રામ અને દેવી દુર્ગાની કૃપાથી દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસે – એવી શુભકામનાઓ.








