પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કડક જવાબ આપતાં ભારતે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર દળોએ કહ્યું કે આ હુમલામાં મહત્વપૂર્ણ આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયું છે.
ભારતીય સેના દ્વારા મળેલી માહિતી મુજબ, આ ઑપરેશનમાં કોટલી, મુઝફ્ફરાબાદ અને બહાવલપુર સહિતના વિસ્તારોમાં આતંકવાદી કેન્દ્રોને નષ્ટ કરવામાં આવ્યા. ભારતીય સેનાએ ઓપરેશનને સફળ ગણાવ્યું છે અને જણાવ્યું કે આ હુમલો આતંકવાદ પર ભારતની શૂન્ય સહનશીલતાની નીતિનો એક ભાગ છે.
પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ભારતના હુમલાની પુષ્ટિ કરતાં તેને “યુદ્ધ સમાન પગલું” ગણાવ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ હુમલાનો જવાબ આપવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે અને દેશભરના લોકો અને સશસ્ત્ર દળો સંપૂર્ણ રીતે એકજૂટ છે.
પાકિસ્તાની સેના અને ISPRના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ પણ હુમલાની વિગતો આપી હતી અને તેને “કાયર હુમલો” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સેનાએ પણ તેની તૈયારી બતાવી છે અને જવાબ આપવા માટે તત્પર છે.
આ હુમલાને લઇને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાનો માહોલ છે. વિશ્વભરના દેશો શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા છે. જોકે, ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે આતંકવાદ સામે કોઈ ઢીલ અપાવાનો ઈરાદો નથી રાખતું.







