લાંબા સમયથી પોલીસને હાથતાળી આપતો જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા આખરે ઝડપાયો છે. ગુજસીટોક સહિતના અનેક ગંભીર ગુનામાં ફરાર રહેલા ધીરેન કારિયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેર શહેરમાંથી ઝડપી લીધો છે.
પોલીસ સૂત્રો અનુસાર, ધીરેન કારિયા અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારામાં છુપાયો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તેને દબોચી લીધો હતો. ધરપકડ બાદ તેને જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અનેક ગંભીર ગુનાઓમાં સંડોવણી
આરોપી ધીરેન કારિયા સામે મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી એક્ટ તેમજ ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એપ્રિલ 2025માં જૂનાગઢ શહેરના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ટોળકીના સભ્યો ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર
ગુજસીટોક કેસ દાખલ થયા બાદ પોલીસ દ્વારા ટોળકીના અન્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી, જોકે મુખ્ય આરોપી ધીરેન કારિયા લાંબા સમયથી ફરાર હતો. તેની સામે ધરપકડ વોરંટ જારી થવા છતાં તે હાથ લાગ્યો નહોતો.
કલમ 82 હેઠળ વોન્ટેડ જાહેર
પોલીસે બીએનએસએસની કલમ 82 મુજબ ધીરેન કારિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો. સતત શોધખોળ બાદ હવે તેને અજમેરથી પકડી લેવાયો છે. પોલીસ ધીરેન કારિયાને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર જૂનાગઢ લાવી વધુ પૂછપરછ કરશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






