શિયાળાની શરૂઆત સાથે જ ગુજરાતના મહાનગરોમાં હવા પ્રદૂષણ વધવાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર કડક એક્શન મોડમાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને ધ્યાનમાં રાખી, શહેરી વિકાસ વિભાગ દ્વારા માત્ર ત્રણ જ દિવસમાં 17 મહાનગરપાલિકાની 2600થી વધુ બાંધકામ સાઈટોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું. આ દરમિયાન 541 સાઈટોને દંડ કરી કુલ રૂ. 123 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી છે.
રાજ્ય પહેલેથી જ સાવચેત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે વિસ્તૃત એક્શન પ્લાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા સૂચના આપી કે હવા પ્રદૂષણના ભવિષ્યના ગંભીર અસરોને અટકાવવા માટે રાજ્યના તમામ વિભાગો સાથે સંકલિત પ્રયત્નો કરવાની જરૂર છે.
શહેરી વિકાસ વિભાગ અને મહાનગરપાલિકાઓ એક્શન મોડમાં
મુખ્યમંત્રીની સૂચનાને અનુરૂપ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવે 17 મહાનગરપાલિકાઓ અને 6 પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી, જેમાં હવા પ્રદૂષણ નિયંત્રણ માટે બાંધકામ સાઈટોનું તાત્કાલિક ઈન્સ્પેક્શન કરવા જણાવ્યું. બેઠક બાદ મહાનગરપાલિકાઓએ તરત જ કામગીરી શરૂ કરી. કુલ 2961 બાંધકામ સાઈટોમાંથી માત્ર ત્રણ દિવસમાં 2600થી વધુ સાઈટોનું ઈન્સ્પેક્શન પૂર્ણ થયું. જૂની 8 મહાનગરપાલિકાઓમાંથી 1303 સાઈટોનું, નવી 9 મહાનગરપાલિકાઓમાંથી 1300 સાઈટોનું અને પ્રાદેશિક નગરપાલિકાઓ હેઠળની તમામ 771 સાઈટોનું ઈન્સ્પેક્શન પૂર્ણ થયું.
કડક કાર્યવાહી અને દંડ
ઈન્સ્પેક્શન દરમિયાન જૂની 8 મહાનગરપાલિકાની 506 સાઈટોને દંડ કરીને રૂ. 122.82 લાખ પેનલ્ટી વસૂલવામાં આવી, અને નવી 9 મહાનગરપાલિકાની 35 સાઈટોને દંડ કરીને રૂ. 1.058 લાખ પેનલ્ટી વસૂલવામાં આવી. હાલ શહેરી વિકાસ વિભાગ દૈનિક ધોરણે પ્રગતિની સમીક્ષા અને મોનીટરીંગ કરી રહ્યું છે.
ગુજરાત સરકારના આ પગલાં હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે મજબૂત સંકેત તરીકે ગણાય છે, અને શહેરોમાં સ્વચ્છ હવા સુનિશ્ચિત કરવા માટે કડક એક્શન ચાલુ રાખવામાં આવશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






