અમદાવાદ ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની નાણાંકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કર્યું છે અને શહેરોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે.
શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો
ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકાને રૂ. 780 કરોડ, સુરતને રૂ. 657 કરોડ, વડોદરાને રૂ. 235 કરોડ અને રાજકોટને રૂ. 195 કરોડની સહાય ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. સાથે જ અમૃત મિશનના અસરકારક અમલમાં ગુજરાત દેશના ટોચના ત્રણ રાજ્યોમાં સ્થાન પામ્યું છે.
વિકાસ માટે આયોજન જરૂરી : મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પૂરતું ભંડોળ ઉપલબ્ધ હોય ત્યારે વિકાસના કામ ઝડપથી અને ગુણવત્તાપૂર્ણ થવા જોઈએ. તેમણે કહ્યું કે, હવે શહેરી અને નગર પાલિકાઓએ આયોજનબદ્ધ રીતે નાણાંનો ઉપયોગ કરવાની ક્ષમતા વધારવી પડશે. “જો આયોજન નહીં કરો તો પાછળ પડી જશો, હવે નાણાં ઘટવાના નથી પરંતુ વધવાના છે,” તેમ તેમણે ઉમેર્યું હતું.
સ્માર્ટ સિટી, ગ્રીન સ્પેસ અને સોલર પર ભાર
મુખ્યમંત્રીએ રિવરફ્રન્ટ વિકાસનું ઉદાહરણ આપતા કહ્યું કે, આજે ત્યાં ક્રુઝ સેવા શરૂ થઈ છે, જે રાજકીય ઇચ્છાશક્તિનું પરિણામ છે. સ્માર્ટ સિટી મિશન હેઠળ ગુજરાત અગ્રેસર છે. પર્યાવરણના પડકારોને પહોંચી વળવા ગ્રીન સ્પેસ અને ગ્રીન કોરિડોર વિકસાવવામાં આવી રહ્યા છે. પાલિકાઓના વીજબીલમાં બચત માટે સોલર પેનલના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં 14.9 મેગાવોટ ક્ષમતાના 120 સોલર પ્રોજેક્ટ્સથી શહેરોમાં વીજ ઉત્પાદન શરૂ થયું છે.
શહેરોમાં સ્વચ્છતા અને સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના કાર્યકાળમાં રાજ્યના અનેક શહેરોએ સ્વચ્છતા, પાણી વ્યવસ્થા અને ગ્રીન કવર ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. નવી રચાયેલી મહાનગર પાલિકાઓમાં રસ્તા, સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓમાં ઘણો સુધારો થયો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






