ગાંધીનગરથી ‘ડિજિટલ અન્ન વિતરણ’ના નવા યુગનો પ્રારંભ, આગામી સમયમાં સમગ્ર દેશમાં લાગુ થશે આ સિસ્ટમ

ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોશી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી એ 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ ‘ગરિમા પોષણ – સુપોષિત ગરુડેશ્વર તાલુકો’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.

આ ઉપરાંત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) વચ્ચે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. આ કરારથી ફરિયાદોના નિવારણ માટે પ્રી-લિટિગેશન ઇકોસિસ્ટમ ઊભી થશે, જેથી કોર્ટ સુધી પહોંચ્યા વગર જ પ્રશ્નોનો ઉકેલ આવશે. વધુમાં, ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ’ (CRI) તૈયાર કરવા માટે પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ‘કેર રેટિંગ’ અને ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા.

મહા શિવરાત્રીની પાઠવી શુભકામના
જાહેર વિતરણ વ્યવસ્થાને ડિજિટલ અને પારદર્શક બનાવતા વિવિધ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સૌને મહાશિવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આજે ‘ડિજિટલ ઇન્ડિયા’નું વિસ્તરણ જાહેર વિતરણ વ્યવસ્થા સુધી પહોંચ્યું છે. એક દાયકા પહેલા દેશના 60 કરોડ લોકોના પરિવારમાં એકપણ બેંક એકાઉન્ટ નહોતું, પરંતુ આજે વડાપ્રધાન ના નેતૃત્વમાં ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને દુનિયામાં થઇ રહેલા કુલ ડિજિટલ વ્યવહારોના અડધા ડિજિટલ વ્યવહારો માત્ર ભારતમાં જ થઈ રહ્યા છે.

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિશે વધુમાં વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી એ જણાવ્યું કે, હવે ગરીબોને સસ્તું અનાજ આપવાની દિશામાં પણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાકાર થઈ રહ્યું છે. જે અંતર્ગત CBDC એટલે કે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પ્રોજેક્ટ અને ‘મેડ ઇન ગુજરાત’ એવા અન્નપૂર્તિ ગ્રેઈન એટીએમ જેવી આધુનિક સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. આ નવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ થશે અને વચેટિયાઓનો અંત આવશે, જેનાથી છેવાડાના ગામડા, આકાંક્ષી જિલ્લાઓ અને પછાત વિસ્તારોમાં વસતા નાગરિકોને તેમના હકનું પૂરે-પૂરું અનાજ સીધું અને પારદર્શક રીતે મળી રહેશે.

81 કરોડ લોકોને સરકાર દ્વારા વિનામૂલ્યે રાશન
CBDC પ્રોજેક્ટમાં સહભાગી તમામ સંસ્થાઓ તથા કેન્દ્ર અને રાજ્યના વિભાગોને અભિનંદન પાઠવતા કેન્દ્રીય ગૃહ મંત્રી એ જણાવ્યું હતું કે, આ આધુનિક સિસ્ટમ વડાપ્રધાન ના ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આજે દેશના 81 કરોડ લોકોને સરકાર દ્વારા વિનામૂલ્યે રાશન આપવામાં આવી રહ્યું છે. તેમને ખાદ્ય સુરક્ષા મળી રહી છે, જે હવે ડિજિટલ અને પારદર્શી બની છે.

કાર્યક્રમ દરમિયાન શુભારંભ કરવામાં આવેલ ગ્રેઇન એટીએમ, અન્ન આપૂર્તિ મશીન અને કઠોળના નવા પેકિંગ તથા ગરિમા પોષણ સહિતના પ્રકલ્પોનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી એ તેને ગરીબોને અન્ન સુરક્ષા આપવામાં વિવિધ ક્રાંતિકારી પહેલ ગણાવી હતી.

માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ શક્ય
આ વિશે વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અન્નપૂર્તિ મશીન દ્વારા માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ શક્ય બનશે, જે વજન, મૂલ્ય અને ગુણવત્તાની દ્રષ્ટિએ સંપૂર્ણ સચોટ હશે. આધાર બેઇઝ્ડ બાયોમેટ્રિક પ્રણાલી, CBDC અને રિઝર્વ બેંકની પેમેન્ટ સિસ્ટમ સાથે સંકલિત આ વ્યવસ્થા આગામી ત્રણ-ચાર વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. જેથી દેશભરમાં ગરીબોને તેમના હકનું ગુણવત્તાયુક્ત રાશન તેમના સમયે સંપૂર્ણ પારદર્શિતા સાથે પ્રાપ્ત થશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ યોજનાઓના સફળ અમલીકરણ થકી ગરીબ અને છેવાડાના નાગરિકોનો સર્વાંગી વિકાસ થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી એ જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4 કરોડ ઘરોનું નિર્માણ, 13 કરોડ ઘરોમાં નલ સે જલ જોડાણ, અંદાજિત 13 કરોડ ઘરોમાં ગેસ સિલિન્ડર અને 12 કરોડ ઘરોમાં શૌચાલયની ઉપલબ્ધતા અને 2.91 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે, જે સરકારની યોજનાઓ અને અભિયાનોની સફળતા દર્શાવે છે. આ ઉપરાંત તેમણે પીએમ સ્વનિધિ યોજના જેવી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરીને તેની સફળતાના આંકડા દર્શાવ્યા હતા. લોકોને વિકાસની મુખ્ય ધારામાં સાંકળવામાં અને તેમને ગરીબીમાંથી બહાર લાવવા માટે આ યોજનાઓ મહત્વની બની છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ખેડૂતો અને પશુપાલકોના હિતોના રક્ષણ માટે ગૃહમંત્રી એ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોના કલ્યાણ માટે હરહંમેશથી પ્રતિબદ્ધ છે. છેલ્લા એક દાયકામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે અનાજની ખરીદીમાં 15 ગણો વધારો થયો છે અને કૃષિ બજેટ પણ રૂ. 26,000 કરોડથી વધારીને રૂ. 1,29,000 કરોડ સુધી પહોંચાડવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સમજૂતીઓ (FTA)માં પણ ભારતના ડેરી, કૃષિ અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રને સંપૂર્ણ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે, જેનાથી ભારતીય ઉત્પાદનો માટે વિશ્વના બજારો ખુલશે.

અંતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી એ CBDC અને પારદર્શક વિતરણ વ્યવસ્થાના પાયલોટ પ્રોજેક્ટ માટે ગુજરાતની પસંદગી કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશી અને ગુજરાત સરકારને અભિનંદન પાઠવી આ લીક-પ્રૂફ સિસ્ટમને વિકસિત ભારતનો બ્લુ પ્રિન્ટ ગણાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં “જે કહેવું તે કરવું”ના મંત્ર સાથે દેશમાં જનકલ્યાણનો નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. વડાપ્રધાન એ GYAN એટલે કે, ગરીબ, યુવા, મહિલા અને અન્નદાતાના સશક્તિકરણ દ્વારા વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો નાખ્યો છે.

25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા
મુખ્યમંત્રી એ ટેક્નોલોજીના પરિવર્તનકારી પ્રભાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક સમયે ડિજિટલ પેમેન્ટ અંગે ઉદભવેલી શંકાઓને દૂર કરીને આજે ભારતે વિશ્વમાં સૌથી મોટા UPI યુઝર તરીકે નામના મેળવી છે. DBT, જનધન, આધાર અને મોબાઈલની ત્રિવેણી તેમજ AI આધારિત ડેટાબેઝ કનેક્ટિવિટીને કારણે સરકારી યોજનાઓના લાભ હવે સીધા અને પ્રામાણિકતાથી લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યા છે. આહાર, આવાસ, આરોગ્ય અને આવકના સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવાને પરિણામે જ છેલ્લા એક દાયકામાં દેશના 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.

મુખ્યમંત્રી એ કહ્યું હતું કે, રાજ્યમાં હવે અનાજ મેળવવા માટે ‘ગ્રેઈન ATM’ કાર્યરત થશે. આ ATM દ્વારા માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ શક્ય બનશે અને તે ૨૪ કલાક કાર્યરત રહેશે. આ સુવિધાથી ખાસ કરીને શ્રમિકો અને મજૂર વર્ગ તેમના કામકાજના કલાકો પછી પણ ગમે ત્યારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ મળવાપાત્ર ઘઉં, ચોખા અને દાળ મેળવી શકશે, જે છેવાડાના માનવીના સશક્તિકરણની દિશામાં મોટું પગલું પૂરવાર થશે.

CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી એ કહ્યું કે, આ ટેક્નોલોજીના માધ્યમથી લાભાર્થીઓને ડિજિટલ ટોકન દ્વારા સબસિડી, વસ્તુનું વજન અને તેની કિંમતની સચોટ જાણકારી મળશે. આ ડિજિટલ ટ્રેકિંગ અને મોનિટરિંગને કારણે યોજનાના લાભોમાં ૧૦૦ ટકા પારદર્શિતા આવશે અને ‘સેચ્યુરેશન એપ્રોચ’ એટલે કે દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચવાનો સરકારનો સંકલ્પ ખરા અર્થમાં સાકાર થશે.

મુખ્યમંત્રી એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તાજેતરમાં જ અમૂલ AI દ્વારા પશુપાલકોને AI ટેક્નોલોજી સાથે જોડ્યા બાદ હવે જાહેર વિતરણ વ્યવસ્થામાં ટેક્નોલોજીનો આ પ્રયોગ માઇલસ્ટોન સાબિત થશે. વડાપ્રધાન ના “સેવા હી સાધના”ના મંત્રને અનુસરીને, ટેક્નોલોજીના માધ્યમથી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સુવિધાઓ પહોંચાડીને વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશી
ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીએ શિવરાત્રી નિમિત્તે સૌને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં CBDC આધારિત આ માત્ર ટેકનોલોજી એપ અને પોર્ટલ જ નથી પણ તમામ જરૂરિયાતમંદ અંદાજે 80 કરોડ જેટલા લાભાર્થીઓને તેમનો અનાજ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થશે. વડાપ્રધાન ના માર્ગદર્શનમાં ચાલતા વિશ્વના સૌથી મોટા ફુડ પ્રોગ્રામને આ નવીન પહેલથી વિશેષ બળ મળશે. અનાજ વિતરણ વ્યવસ્થાને આ ટેકનોલોજી સાથે જોડવી એક પડકાર હતો પણ ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાન અંતર્ગત આ કાર્ય ખૂબ સરળ બન્યું છે.

કેન્દ્રીય મંત્રી જોશીએ જણાવ્યું હતું કે,દેશભરમાં રેશનકાર્ડનું ડિજિટલાઈઝેશન થવાથી ‘વન નેશન, વન રાશન કાર્ડ’ની સંકલ્પના સાકાર થ‌ઈ છે. RBIની પહેલથી શરૂ થયેલી ડિજિટલ કૂપન દ્વારા લાભાર્થી કોઈપણ સમયે ગ્રેઇન ATM પર જ‌ઈને QR કોડ સ્કેન કરીને અનાજ મેળવી શકશે. આ સિવાય સાદો ફોન ધરાવતા લાભાર્થીને પણ SMS થકી OTP દ્વારા ATMથી અનાજની સુવિધા‌ આપવામાં આવશે.‌

આ ટેકનોલોજીના અમલથી અંદાજે બેથી ત્રણ કરોડ ખોટા રાશન કાર્ડ રદ થયા છે. CBDC આધારિત વ્યવસ્થા શરૂ થવાથી સાચા લાભાર્થીને‌ જ તેનો‌ લાભ મળશે. આ અનાજની ડિજિટલ રકમ‌ લાભાર્થીના વોલેટમાં જમા થવાથી તેના દ્વારા સસ્તા અનાજની દુકાન અને ATM પરથી અનાજ ખરીદી શકાશે તેનો‌ અન્ય જગ્યાએ ઉપયોગ થઈ શકશે નહીં. આ ડિજિટલ આધારિત અનાજ વિતરણ પ્રક્રિયાનો ગુજરાતમાંથી સૌપ્રથમ પ્રારંભ થવાથી દેશના બાકીના રાજ્યોમાં પણ તેનો હકારાત્મક પ્રભાવ પડશે અને ડુપ્લીકેટ રાશનકાર્ડ પણ પોતાની રીતે નાબૂદ થશે. કેન્દ્રીય મંત્રી એ કહ્યું કે, સસ્તા અનાજ વિતરણમાં CBDC આધારિત વ્યવસ્થા એ સાબરમતી નદી કિનારે ગરીબી સામેનો ‘ડિજિટલ સત્યાગ્રહ’ સાબિત થશે જેથી કાળા બજાર પર પણ‌‌ વધુ રોક આવશે અને જરૂરિયાતવાળા લાભાર્થી સુધી ઝડપી અનાજ પહોંચશે. આ પ્રયોગનો સમગ્ર દેશમાં આગામી સમયમાં અમલ કરવામાં આવશે, તેમ મંત્રી એ ઉમેર્યું હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશની ડિજિટલ કરન્સી ગરીબની થાળી સુધી અનાજ પહોંચાડશે. આજે ગુજરાતની ધરતી પર ફરી એકવાર ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે. આપણે સૌ એક એવી ક્રાંતિના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ, જે માત્ર ગુજરાતની જ નહીં પરંતુ સમગ્ર ભારતની જાહેર વિતરણ વ્યવસ્થાની દિશા અને દશા બદલી નાખશે.

સંઘવીએ ઉમેર્યું હતું કે, ભારત જેવા વિશાળ દેશમાં ‘અન્ન સુરક્ષા’ હંમેશા એક મોટો પડકાર રહ્યો છે. ભૂતકાળમાં સરકારી અનાજ લાભાર્થી સુધી પહોંચતા પહેલા વચેટિયાઓની અને રેશનિંગની દુકાનો પર લાંબી કતારો જેવી સમસ્યાઓ જોવા મળતી હતી ત્યારે, CBDC આધારિત PDS પ્રોજેક્ટ આ તમામ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવશે.

તેમણે ઉમેર્યું કે, સામાન્ય રીતે નવી ટેકનોલોજીનો પ્રથમ લાભ મોટા ઉદ્યોગપતિઓને મળતો હોય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભારતે એક નવી રાહ ચીંધી છે. ‘ડિજિટલ કરન્સી’ જેવી આધુનિક ટેકનોલોજીનો સૌથી પહેલો ઉપયોગ ગરીબની થાળી સુધી ભોજન પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. હવે, લાભાર્થીઓએ દુકાનદારની રાહ જોવાની જરૂર રહેશે નહીં. ૨૪ કલાકમાં ગમે ત્યારે ગ્રેઇન ATM પર જઈને માત્ર ૦૫ મિનિટમાં જ અનાજ મેળવી શકશે. આ વ્યવસ્થામાં વજનમાં ૧ ગ્રામનો પણ તફાવત નહીં પડે, જે ‘ડિજિટલ ઈન્ડિયા’નું ઉત્તમ ઉદાહરણ છે. CBDC, ગ્રેઇન ATM અને બાયોમેટ્રિક મુક્તિ તરફ આગળ વધી રહેલું ગુજરાતનું આ મોડેલ આગામી સમયમાં સમગ્ર દેશ માટે પથદર્શક બનશે અને હકદારને તેનો હક, પારદર્શક રીતે અને કોઈપણ હેરાનગતિ વગર મળશે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે સ્વાગત ઉદબોધન કરતા સમગ્ર કાર્યક્રમ અને નવીન પ્રકલ્પોની વિગતવાર માહિતી આપી હતી. આ તકે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ ભારત ડિજિટલ ક્રાંતિની દિશામાં આગળ વધી રહ્યો છે. ભારતની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે ઈ-રૂપીની ઘોષણા સાથે દેશમાં આધુનિક ફિનટેકના નવા યુગની શરૂઆત થઇ હતી, જેનું નેતૃત્વ કરવા ગુજરાત સજ્જ થઇ રહ્યું છે.

આ અવસરે ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય રાજ્ય મંત્રી મતી નીમુબેન બાંભણિયા, ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્ય મંત્રી પી. સી. બરંડા, ગાંધીનગરના મેયર મતી મીરાબેન પટેલ, વિવિધ સાંસદ ઓ-ધારાસભ્ય ઓ, ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યકારી નિર્દેશક પી‌‌. વાસુદેવ, પંજાબ નેશનલ બેંક-PNBના કાર્યકારી નિર્દેશક ડી. સુંદરસન ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી ઓ, અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Junagadh : CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા મહાશિવરાત્રીના મેળામાં, શ્રદ્ધાભાવ સાથે કરી પૂજા અર્ચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રી ની સાથે ઉર્જા રાજયમંત્રી કૌશિકભાઈ…

INDvsPAK: જો આજે વરસાદ થાય તો રિઝર્વ ડે પર રમાશે મેચ ? જાણો શું છે ICCનો નિયમ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 2026 T20 વર્લ્ડ કપ મેચ આજે રમાશે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. મેચ દરમિયાન કોલંબોમાં વરસાદની શક્યતા છે, પરંતુ તે ભારે નથી. જો વરસાદ…