B INDIA બનાસકાંઠા : રાજ્ય સરકારે 115 ગામોમાં નર્મદાના પાણીથી તળાવો ભરવાની જાહેરાત કરી છે. ત્યારે વર્ષોથી સૂકાભઠ્ઠ પડેલા ખેતરોમાં ફરી લીલીછમ ખેતીની આશા જાગી છે. છેલ્લા દશકથી પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહેલા આ વિસ્તારમાં ભૂગર્ભ જળ 1000 ફૂટથી પણ નીચે જતા રહ્યા છે. આના કારણે ખેડૂતો માત્ર ચોમાસા પૂરતી જ ખેતી કરી શકતા હતા અને ઘણા ખેડૂતોએ તો પશુપાલન સહિતના પરંપરાગત વ્યવસાયો છોડવાની ફરજ પડી હતી.
ધાનેરાના મેવાડા ગામના ખેડૂત મગનભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ, અમારો પરિવાર પેઢીઓથી ખેતી સાથે જોડાયેલો છે, પરંતુ પાણીની અછતે અમને માત્ર વરસાદ આધારિત ખેતી સુધી સીમિત કરી દીધા હતા. હવે નર્મદાનું પાણી આવતા અમને ફરી ખેતી અને પશુપાલન તરફ વળવાની તક મળશે.
રાજ્ય સરકારની આ યોજના અંતર્ગત ધાનેરા વિસ્તારના 55 અને થરાદના 60 ગામોમાં કુલ 1048 કરોડના ખર્ચે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે. આ પ્રોજેક્ટથી માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુપાલન ઉદ્યોગને પણ નવજીવન મળશે એવી આશા છે.ગોવાભાઇ ચૌધરીએ આ અંગે જણાવ્યું કે, અત્યાર સુધી ખેડૂતો પોતાની મોંઘી જમીન વેચીને માંડ-માંડ ગુજરાન ચલાવતા હતા. હવે નર્મદાના પાણીથી આ વિસ્તારમાં ખેતી અને પશુપાલન બંને ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે.
આ પરિયોજના થકી હજારો હેક્ટર જમીનમાં ફરી ખેતી શક્ય બનશે. અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની આશા છે. વર્ષોની રજૂઆતો અને આંદોલનો બાદ મળેલી આ સફળતાએ સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જ્યો છે, અને ખેડૂતોને તેમની પરંપરાગત આજીવિકા તરફ પાછા ફરવાની તક આપી છે.






