B INDIA સુરત : સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં 13 વર્ષના કિશોરે પોતાની માસીની દીકરીની હત્યા કરી છે. આ એક વર્ષની બાળકી રડતી હોવાને લીધે મોટાભાઈએ તકિયાથી તેનું મોઢું દબાવીને હત્યા કર્યાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે બાળકીના મોત બાદ પીએમ રિપોર્ટ જોઈને પોલીસ સાથે પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું. હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી હત્યારા કિશોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આપને જણાવી દઈએ કે, મૂળ બિહારના વતની અને સુરતની ખાનગી હોસ્પિટલમાં કામ કરતી બે સગી બહેનો સુરતના નાનપુરા વિસ્તારમાં રહે છે.
મોટી બહેનને ચાર દીકરીઓ છે જ્યારે નાની બહેનને બે દીકરા છે. મોટી બહેનના પતિ મહારાષ્ટ્રના પુણે ખાતે કામ કરે છે. જ્યારે નાની બહેનના પતિ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. જોકે આ બંને બહેનો સુરતની નાનપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કામ કરવા જાય છે. ત્યારે બાળકો ઘરે એકલા હોય છે. આ દરમિયાન મોટી બહેનનો 13 વર્ષનો બાળક નાની બહેનની એક વર્ષની બાળકી સાથે ઘરે હતો. ત્યારે આ બાળકી રડી રહી હતી. જેથી 13 વર્ષના કિશોરને ગુસ્સો આવી જતા તકિયા વડે તેનું મોઢું દબાવી તેની હત્યા કરી નાખી છે.
આ મૃત બાળકીનું ગઈકાલે પીએમ કરવામાં આવતા તબીબો દ્વારા પ્રાથમિક તપાસમાં બાળકીનો શ્વાસ રૂંધાતા મોત થયા હોવાની વિગતો આવી હતી. એક સમય માટે પોલીસ અને પરિવાર ચોંકી ઉઠ્યું હતું. જોકે આ બાબતે પોલીસે પરિવાર અને બાળકની પૂછપરછ કરતા બાળક તૂટી ગયો હતો અને તેણે કરેલા ગુનાની કબુલાત કરી લીધી હતી. પોલીસને જણાવ્યું હતું કે, બાળકી રડતી હતી જેથી તેને ગુસ્સામાં તકિયા વડે તેનું મોઢું દબાવી નાખ્યું હતું. જોકે સમગ્ર ઘટના સામે આવતા જ પોલીસે આ બાબતે અત્યારે ગુનો દાખલ કરી કિશોર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.