તિરુપતિના પ્રખ્યાત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બુધવારે રાત્રે એક દુ:ખદ ભાગદોડ મચી ગઈ હતી જેમાં છ ભક્તોના મોત થયા હતા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે સેંકડો ભક્તો ભગવાનના દર્શન માટે એકઠા થયા હતા અને ‘વૈકુંઠ દ્વાર દર્શનમ’ માટે ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ખાસ પ્રસંગ 10 જાન્યુઆરીથી શરૂ થતા 10 દિવસના વૈકુંઠ દ્વાર દર્શનમનો હતો, જેના માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો તિરુપતિ પહોંચ્યા હતા. ભક્તોની ભીડ ટિકિટ મેળવવા માટે આગળ વધવા લાગી ત્યારે નાસભાગ મચી ગઈ.
આ ઘટના તિરુમાલાના બૈરાગી પટ્ટેડા વિસ્તારમાં એમજીએમ સ્કૂલ પાસે થઇ હતી, જે મંદિરની નજીકનો વ્યસ્ત વિસ્તાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક બીમાર મહિલાને બહાર કાઢવા માટે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે ભાગદોડ શરૂ થઈ હતી. દરવાજો ખોલતાની સાથે જ ભક્તોએ રાહ જોયા વિના ભાગવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ભીડમાં અરાજકતા ફેલાઈ ગઈ અને લોકો એકબીજા પર પડવા લાગ્યા. આ ભાગદોડને કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને કેટલાકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
-> પોલીસે BNSS હેઠળ બે FIR નોંધી :- પોલીસે આ કેસમાં બે એફઆઈઆર નોંધી છે. આમાંથી એક FIR ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 194 હેઠળ નોંધવામાં આવી છે, જે અકુદરતી મૃત્યુ સાથે સંબંધિત છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગેટ ખોલવાની કાર્યવાહી એક નાયબ પોલીસ અધિક્ષક (DSP) દ્વારા એક બીમાર મહિલાને બહાર કાઢવા માટે કરવામાં આવી હતી. જોકે, અધિકારીઓનું કહેવું છે કે આ પગલું વધુ સાવધાની અને વ્યવસ્થાપન સાથે ભરવું જોઈતું હતું, જેના કારણે આ દુ:ખદ ઘટના ટાળી શકાઈ હોત.
-> અધિકારીઓની બેદરકારી પર ઉઠ્યા પ્રશ્નો :- આ ઘટના બાદ, ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, ખાસ કરીને અધિકારીઓની બેદરકારી અંગે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓએ આવા કિસ્સાઓમાં વધુ સાવચેત રહેવું જોઈતું હતું. કમનસીબે, ડીએસપી દ્વારા ગેટ ખોલવાના પગલાંને કારણે નાસભાગ મચી ગઈ. અધિકારીએ કહ્યું કે તેમનો ઈરાદો ભક્તોને મદદ કરવાનો હતો, પરંતુ આ પગલું ખોટા સમયે લેવામાં આવ્યું જેના કારણે ભારે વિનાશ થયો. હાલમાં, પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે.
-> સુરક્ષા વ્યવસ્થા સુધારવાની જરૂર છે :- આ ઘટના સુરક્ષા વ્યવસ્થા અને ભીડ નિયંત્રણમાં રહેલી ખામીઓને ઉજાગર કરે છે. તિરુપતિ જેવા મુખ્ય ધાર્મિક સ્થળ પર આવી પરિસ્થિતિ માટે અસરકારક વ્યવસ્થાપનની જરૂર છે જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. અધિકારીઓએ કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો કરવા માટે વધુ સારી જરૂરિયાતો અને સુરક્ષા પગલાં અમલમાં મૂકશે.