ભારતીય સેનાએ 6 મે 2025ની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ કરવામાં આવી છે, જેમાં 25 ભારતીય અને એક નેપાળી નાગરિકો શહીદ થયા હતા.
ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પડોશીઓ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલો છોડ્યા. મળતી માહિતી મુજબ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. ભારતીય સશસ્ત્ર દળોએ આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય દળોએ આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું છે જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવતું હતું. કુલ મળીને નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમારી ક્રિયાઓ કેન્દ્રિત, પૂર્વ-આયોજિત અને બિન-આક્રમક પ્રકૃતિની રહી છે. કોઈપણ પાકિસ્તાની લશ્કરી સુવિધાને નિશાન બનાવવામાં આવી ન હતી.
મંત્રાલયે કહ્યું કે ભારતે લક્ષ્યોની પસંદગી અને હુમલાની રીતમાં ઘણો સંયમ દાખવ્યો છે. પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાના પગલે આ પગલાં લેવામાં આવ્યા છે, જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા. અમે અમારી પ્રતિબદ્ધતા પૂરી કરી રહ્યા છીએ કે આ હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ અંગે વિગતવાર માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.
ભારતના વળતા હુમલા બાદ પાકિસ્તાને દુનિયા સામે આંસુ વહાવવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના તીવ્ર તણાવ વચ્ચે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં મિસાઇલ હુમલા કર્યા છે. આ એક કાયરતાપૂર્ણ હુમલો છે.







