ચૈત્રી નવરાત્રીમાં માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે. જેને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય પત્રક બહાર પાડ્યું છે..જેથી ભક્તો આ સમય પત્રકને ધ્યાનમાં રાખે તો તેમને દર્શન માટે કોઇ અગવડતા નહીં પડે. અને ભક્તો સારી રીતે માતાજીનાં દર્શન કરી શકશે. પાવાગઢ મંદિરના સમય પત્રક અનુસાર, એકમ, આઠમ, નોમ અને પૂનમના દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે, જ્યારે બાકીના દિવસોમાં મંદિર સવારે 5 વાગે ખુલશે. તમામ નવ દિવસોમાં મંદિર રાત્રે 8 વાગ્યે બંધ થશે.જેનું ભક્તોએ ખાસ ધ્યાનમાં રાખવું.
ચૈત્રી નવરાત્રીનો ઈતિહાસ:-
પૌરાણિક માન્યતાઓ અનુસાર પૃથ્વી પર મહિષાસુર નામના રાક્ષસનો આતંક ઘણો વધી ગયો હતો. મહિષાસુરને વરદાન હતું કે કોઈ દેવ કે દાનવ તેને હરાવી શકશે નહીં. મહિષાસુરનાં આતંકને કારણે સર્વત્ર અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ પછી બધા દેવતાઓએ માતા પાર્વતીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરી. પછી દેવી પાર્વતીએ તેના નવ સ્વરૂપો પ્રગટ કર્યા, જેને દેવતાઓએ તેમના શસ્ત્રો આપીને શક્તિ આપી. એવું કહેવાય છે કે, આ સમગ્ર પ્રક્રિયા ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિથી શરૂ થઈ હતી અને 9 દિવસ સુધી ચાલી હતી. માન્યતાઓ અનુસાર ચૈત્ર મહિનામાં નવરાત્રિ ઉજવવાની પરંપરા ત્યારથી શરૂ થઈ હતી.
ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે રામ નવમી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામનો જન્મ રામ નવમીના દિવસે થયો હતો, તેથી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ આધ્યાત્મિક ઈચ્છાઓ પૂરી કરનારી માનવામાં આવે છે. જ્યારે શારદીય નવરાત્રિ સાંસારિક ઈચ્છાઓ પૂરી કરનારી માનવામાં આવે છે.






