પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે શાંતિ મંત્રણાની અપીલ કરી છે. જોકે, સાથે જ તેઓએ જમ્મુ-કાશ્મીર સહિતના “પડતર મુદ્દાઓ” ઉકેલવાની જરૂરિયાત પણ રજુ કરી છે, જેને લઈને ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે હવે કોઈ વાતચીત ફક્ત પીઓકે (પાક અધિકૃત કાશ્મીર) અને આતંકવાદના મુદ્દા પર જ થશે.
ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં શાહબાઝની અપીલ
આ ટિપ્પણી શાહબાઝે “થેંક્સગિવિંગ ડે (યમ-એ-તશકુર)” નિમિત્તે આપી હતી. આ દિવસ ઓપરેશન સિંદૂર દરમિયાન માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. શાહબાઝે કહ્યું, “ભારત અને પાકિસ્તાન ત્રણ યુદ્ધો લડી ચૂક્યા છે, છતાં કંઈ હાંસલ થયું નથી.” તેમણે જણાવ્યું કે હવે બંને દેશોએ શાંતિના માર્ગે આગળ વધવું જોઈએ અને ચર્ચા દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ.
કાશ્મીર મુદ્દો ફરીથી ઉઠાવ્યો
શાહબાઝે કહ્યું કે, “કાશ્મીર સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા અનિવાર્ય છે.” તેમણે દાવો કર્યો કે દ્વિપક્ષીય વાતચીત વગર દક્ષિણ એશિયામાં શાંતિ શક્ય નથી. પરંતુ ભારતે ઘણાં વખતથી આ દલીલનો પ્રતિસાદ આપતા જણાવ્યું છે કે, જ્યારે સુધી પાકિસ્તાન પોતાની જમીન પરથી આતંકવાદ ન ઉખેડે, તયાં સુધી કોઇ સંવાદ શક્ય નથી.
પાકિસ્તાની સેના માટે 31 તોપોની સલામી
થેંક્સગિવિંગ ડેના દિવસે ઇસ્લામાબાદમાં પાકિસ્તાની સેનાના “શહીદ” સૈનિકોને 31 તોપોની સલામી આપવામાં આવી હતી. રાજ્યોની રાજધાન્યોમાં 21 તોપોની સલામી પણ અપાઈ. શાહબાઝે તેમના “મિત્ર દેશો”નો આભાર માન્યો અને ખાસ કરીને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પના “મધ્યસ્થી પ્રયાસો”ની નોંધ લીધી.
સિંધુ જળ સંધિ અને પરમાણુ મુદ્દે પણ ટકોર
શાહબાઝે ભારત દ્વારા સિંધુ જળ સંધિ પર લેવામાં આવેલા વલણને લઇને પણ ચિંતા વ્યક્ત કરી. તેઓએ કહ્યું કે આ સંધિ પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ છે અને જો ભારત પાણી રોકે તો પાકિસ્તાન માટે ગંભીર પરિણામ ઊભા થઈ શકે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પરમાણુ શસ્ત્રો મુદ્દે ભારત પર આરોપ મૂક્યો કે તે “તથ્યોને તોડી-મોડી રજૂ કરી રહ્યું છે.” પ્રવક્તાએ કહ્યું કે “પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ રાષ્ટ્ર છે અને અપ્રેરિત હુમલા નહીં કરે.”
ભારતની સ્પષ્ટતા
ભારતની બહારથી મળતી આ ધમકીઓ વચ્ચે ન્યૂ દિલ્હીનું વલણ સ્પષ્ટ રહ્યું છે – “શાંતિ માટે પહેલ આપવી છે તો આતંકવાદ બંધ કરો.” ભારતીય વિદેશ મંત્રાલયે પહેલથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે talks and terror cannot go together.








