અમદાવાદ શહેર ફરી એક વાર પાલતું શ્વાનના ખતરનાક હુમલાના કારણે દુઃખદ ઘટનાનું સાક્ષી બન્યું છે. શહેરના હાથીજણ સર્કલ નજીક આવેલી રાધે રેસિડેન્સી સોસાયટીમાં રાત્રિના સમયે એક પાલતું રોટવીલર શ્વાન 4 મહિનાની બાળકી પર તૂટ પડ્યું અને તેણે બાળકીને ફાડી નાંખી. ગંભીર ઇજાઓને કારણે બાળકીનું સ્થળ પર જ મોત થયું છે.
CCTVમાં કેદ દુર્ઘટના: યુવતી ફોનમાં ગૂમ, રોટવીલર છટકી ગયો
સોસાયટીના પાર્કિંગમાં થઈ હતી આ હ્રદયવિદ્રાવક ઘટના, જે CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. મળતી માહિતી અનુસાર, બાળકીને તેની માસી રાત્રે લપસવા બહાર લાવ્યા હતા ત્યારે એક યુવતી ફોનમાં વાત કરતી હતી અને તેની પાસે શ્વાન હતો. શ્વાન લીસમાંથી છટકી ગયેલું હતું અને તરત જ માસી અને બાળકી પર હુમલો કરી દીધો હતો.
બાળકીને ફાડી ખાધી, માસીને ઈજાઓ
શ્વાનના અચાનક હુમલાથી બાળકી તેની માસીના હાથમાંથી નીચે પડી ગઈ. આ દરમિયાન રોટવાઈલર શ્વાને બાળકી પર વારંવાર હુમલો કરીને ફાડી નાંખી હતી. બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે માસીને પણ ઘાયલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
AMCએ શ્વાનનો કબજો લીધો, રજિસ્ટ્રેશન નહોતું
જ્યાં આ શ્વાન રાખવામાં આવ્યો હતો, તે પાલતુ રોટવાઈલર AMCમાં રજિસ્ટર પણ કરાવવામાં આવ્યો ન હતો. Ahmedabad Municipal Corporation (AMC)ના CNCD વિભાગે તરત જ પગલાં લઈ શ્વાનનો કબજો લીધો છે અને તેને વેલનેસ સેન્ટર ખાતે રાખીને હેલ્થ ચેકઅપ અને મોનિટરિંગ શરૂ કર્યું છે.
અગાઉ પણ હુમલાની ઘટનાઓ
સોસાયટીના સભ્યો મુજબ, આ રોટવાઈલર અગાઉ પણ અન્ય રહીશો પર હુમલો કરી ચૂક્યું છે. હિનાબેન નામની મહિલાને અગાઉ આ જ શ્વાને ઈજા પહોંચાડી હતી, અને ત્યાર બાદ સોસાયટીના સભ્યોે શ્વાન સામે વાંધો દર્શાવ્યો હતો. હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે.
કાયદેસર પગલાં અને જવાબદારી
તકરાર બાદ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાયદેસર રીતે, આ ઘટના “બેદરકારીથી મોત” (IPC 304A) તરીકે ગણવામાં આવી શકે છે, જે હેઠળ શ્વાનના માલિક સામે અદાલતી કાર્યવાહી, દંડ અને 2 વર્ષ સુધીની કેદ પણ થઈ શકે છે. તદુપરાંત, જો શ્વાનનું AMCમાં રજિસ્ટ્રેશન ન હોય તો શહેરના પાલતુ પ્રાણી ધારક નિયમો મુજબ વધુ કાયદેસર કાર્યવાહી પણ AMC દ્વારા હાથ ધરાઈ શકે છે.








