અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલો આધુનિક રિવરફ્રન્ટ એક અલગ જ ઊર્જાથી ધબકી ઉઠ્યો હતો, જ્યાં કોંક્રીટના જંગલની વચ્ચે, પ્રકૃતિના ખોળે ઉછરેલી આદિવાસી સંસ્કૃતિ અને કલાનો એક અનોખો સંગમ સર્જાયો હતો.
તાજેતરમાં આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (GTRTS) દ્વારા વલ્લભ સદન, રિવરફ્રન્ટ ખાતે તા. 28 જાન્યુઆરીથી 03 ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી સાત દિવસીય ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર અને વનૌષધિય મેળા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અહી માત્ર વસ્તુઓનું વેચાણ જ નહીં, પરંતુ એક સશક્ત આદિવાસી સમાજની ગાથા રજૂ કરવામાં આવી હતી. ઊર્જાવાન અને પ્રજાસેવક આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ખુલ્લા મુકાયેલા આ મેળાએ શહેરીજનોને સીધા જ આદિવાસી લોકજીવન સાથે જોડી દીધા હતા.
ડાંગના ગાઢ જંગલો હોય કે સાપુતારાના ડુંગરો રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાંથી આવેલા કલાકારો માટે આ મેળો આજીવિકાનું કેન્દ્ર બન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ મેળામાં ૪૨ આદિવાસી હસ્તકલાકૃતિ, 17 વનૌષધિય ચિકિત્સા પ્રણાલી અને 16 પરંપરાગત આહારના સ્ટોલ મળી કુલ 75 સ્ટોલ્સ બનાવવામાં આવ્યા હતા. જેમાં આદિવાસી હસ્તકલાકારો અને વૈદુ ભગતો સહિત કુલ 112 કલાકારો સહભાગી બન્યા હતા. શહેરીજનોએ આ મેળામાંથી માત્ર ૭ દિવસમાં રૂ. 15 લાખની ખરીદી કરી આદિવાસી ભાઈ-બહેનોની મહેનતને બિરદાવીને તેમણે વધુ આર્થિક પગભર બનાવવા પ્રેરણા આપી છે, જે ખરા અર્થમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘વોકલ ફોર લોકલ’ સૂત્રને સાર્થક કરે છે.
આ મેળાનો સૌથી પ્રભાવશાળી અને પ્રેરક હિસ્સો રહ્યો મંત્રી નરેશભાઈ પટેલનું ઉદ્દબોધન. તેમણે કોઈ પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે પોતાના જીવનના અનુભવો વર્ણવ્યા હતા. એક સમયે નાનકડા ફટાકડાના ધંધાથી શરૂઆત કરીને સફળ વેપારી બનવા સુધીની સફર વર્ણવતા તેમણે આદિવાસી કારીગરોને “બ્રાન્ડિંગ”નો મંત્ર આપ્યો અને નાનકડા ધંધાથી બ્રાન્ડ બનાવવા સુધીની સફર સમજાવી હતી. “વેપાર વાંઝીયો નથી, બસ ભરોસો અને વિશ્વાસ જીતવો પડે. આપણે આપણી પ્રાકૃતિક સંપત્તિને હવે એક ‘બ્રાન્ડ’ બનાવવાની છે.” આ શબ્દોએ ઉપસ્થિત ૧૧૨થી વધુ કારીગરોમાં નવો જુસ્સો જગાવ્યો છે.
જ્ઞાન અને સ્વાસ્થ્ય પ્રદાન કરતો વૈદુ ભગતોનો વારસો એ આ મેળાની ધ્યાનાકર્ષિત બાબત હતી. આજના યુગમાં આધુનિક દવાઓથી કંટાળેલા શહેરીજનો માટે વનૌષધિ સ્ટોલ્સ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. આદિવાસી સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી દર્શાવતા આ મેળામાં રોજ સાંજે સંગીતમય માહોલ બનતો હતો. અહી ગુજરાતની પ્રખ્યાત નૃત્ય ટીમો દ્વારા રાઠવા જનજાતિનું હોળી અને ઘેર નૃત્ય, ભીલ જનજાતિનું તલવાર નૃત્ય, ગરાસીયા ભીલ જનજાતિનું હોળી અને ઘેર નૃત્ય, ગામીત જનજાતિનું ઢોલ અને સગાઈ ચાંદલા નૃત્ય, કુનબી અને કોંકણા જનજાતિનું કહાડીયા નૃત્ય, વસાવા જનજાતિનું મેવાસી નૃત્ય, ચૌધરી જનજાતિનું ડોવળુ નૃત્ય, ડુંગરી ગરાસીયા જનજાતિનું ઢોલ અને હોળી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિશાળ એલઈડી સ્ક્રીન પર દર્શાવવામાં આવેલી આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની ગાથાઓ અને સંસ્કૃતિની ડોક્યુમેન્ટરીએ નવી પેઢીને ઈતિહાસથી માહિતગાર કર્યા હતા.
GTRTS દ્વારા માત્ર વેચાણ જ નહીં, પણ કારીગરોને આકર્ષક પેકેજિંગ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને ડિજિટલ યુગ સાથે કદમ મિલાવવાની ક્ષમતાવર્ધક તાલીમ પણ આપવામાં આવી હતી. આ મેળામાં સહભાગી થતાં તમામ ટ્રાઇબલ આર્ટીજન્સને આવવા-જવાનું ભાડું, રહેવા-જમવાની મફત સુવિધાઓ તેમજ વિનામૂલ્યે સ્ટોલ્સની સુવિધાઓ પણ આપવામાં આવે છે. આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર-ઘર સ્વદેશી જેવા અભિયાનો દ્વારા આદિવાસી સમુદાય પણ હવે ‘વિકસિત ભારત@૨૦૪૭’ના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવી રહ્યો છે.
અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાયેલો આ મેળો માત્ર એક ઈવેન્ટ ન હતો, પરંતુ તે આદિવાસી અસ્મિતાનો ઉત્સવ હતો. શહેરીજનોના ઉત્સાહ અને આદિવાસી કારીગરોની કળાના સમન્વયે સાબિત કર્યું કે ભારતનું મૂળ મજબૂત છે, અને ભવિષ્ય ઉજ્જવળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, GTRTS દ્વારા વર્ષ 2015-16માં પ્રથમ વખત “પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ અને વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમુદાયની વર્ષો જૂની હસ્તકલાકૃતિઓ, પરંપરાગત આહાર, વનૌષધિય જ્ઞાન, વૈવિધ્યતાપૂર્ણ સાંસ્કૃતિક વારસો વગેરેનું સંરક્ષણ-સંવર્ધન થાય તેમજ આદિવાસી હસ્ત કલાકારો અને વૈદુ ભગતોને આત્મનિર્ભર બનાવવાનો છે.
જે અંતર્ગત વર્ષ 2015-16 થી વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન GTRTS દ્વારા રાજ્યના વિવિધ સ્થળે કુલ 21 મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૨,૫૯૭ હસ્ત કલાકારો, વૈદુ-ભગતો અને આહાર ઉત્પાદકોએ ભાગ લીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય વિભાગો દ્વારા આયોજિત કુલ 13 મેળાઓમાં ૩૦૨ હસ્ત કલાકારો અને વૈદુ-ભગતો સહભાગી થયા છે. આ મેળાઓ દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં આદિવાસી હસ્ત કલાકારો, વૈદુ-ભગતો અને આહાર ઉત્પાદકોને અંદાજે રૂ. 2.91 કરોડનું આર્થિક ઉપાર્જન થયું છે અને રૂ. 1 કરોડ થી વધુના વિવિધ હસ્તકલા-કૃતિઓ તૈયાર કરવાના ઓર્ડર પણ મળ્યા છે.
ચાલુ વર્ષ 2025-26માં વિવિધ ૦૫ સ્થળોએ આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર અને વનૌષધીય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોન્સુન ફેસ્ટિવલ-સાપુતારા, ભાદરવી પૂનમ-અંબાજી, અમદાવાદ હાટ- વસ્ત્રાપુર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત અને રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો-સુરતનો સમાવેશ થાય છે. આ મેળામાં સહભાગી થયેલ તમામ આદિવાસી આર્ટીજન્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
મેળાના સમાપન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વનરાજભાઈ પારગી, રમેશચંદ્ર પારગી, દીપકભાઈ પટેલ અને ભરતભાઈ મોઢિયા ઉપસ્થિત રહ્યા હતા. GTRTSના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરીની માર્ગદર્શનમાં સમગ્ર મેળો યોજાયો હતો. આ મેળાને સફળ બનાવવા ડૉ. દેવચંદ વહુનિયા, ડૉ. વિપુલ રામાણી, ડૉ. ભરત મકવાણા સહિત અધિકારીઓ સહભાગી બન્યા હતા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





