હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રના મધ્ય ભાગમાં એક નવું ડિપ્રેશન (Depression) અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ હવામાન પરિવર્તનના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી બે દિવસ સુધી વરસાદ અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અરબી સમુદ્રનું તાજું અપડેટ
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અરબી સમુદ્રનું ડિપ્રેશન હાલમાં ગોવાના પણજીથી લગભગ 360 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે. આ સિસ્ટમ ઉત્તરપૂર્વ દિશામાં પ્રતિ કલાક 20 કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે.
ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ
હવામાન વિભાગે દરિયાકાંઠાના બંદરો પર ચેતવણી જાહેર કરી છે. પોરબંદર અને ઓખા બંદર પર નંબર 3 ભય સૂચક સિગ્નલ લગાવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, સિક્કા, નવલખી, જામનગર અને સલાયા બંદરો પર નંબર 1 ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
વરસાદ અને પવનની આગાહી
હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કેટલાક સમયે 55 કિલોમીટર પ્રતિ કલાક સુધીની તીવ્રતા જોવા મળી શકે છે.
IMD નો તાજો અહેવાલ
IMD અનુસાર,“દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન આજે (24 ઓક્ટોબર, સવારે 5:30 કલાકે) ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે અને હવે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ વધુ ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધવાની શક્યતા છે.”
માછીમારોને ચેતવણી
હવામાન વિભાગે તમામ માછીમારોને અગાઉથી દરિયામાં ન જવાની સલાહ આપી છે અને હાલ દરિયાઈ પ્રવૃત્તિઓને સ્થગિત રાખવા જણાવ્યું છે.
સ્થાનિક પ્રશાસનને પણ તટ વિસ્તારોમાં તાત્કાલિક ચેતવણી સિસ્ટમ સક્રિય રાખવા માટે સૂચના અપાઈ છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકસાથે હવામાન તંત્રો સક્રિય થતા ગુજરાત સહિત પશ્ચિમ કાંઠે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
અધિકારીઓએ લોકો અને માછીમારોને સતર્ક રહેવા અનુરોધ કર્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






