ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી યુવક અને યુવતી આંતરરાષ્ટ્રીય ઠગાઈના જાળમાં ફસાયા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અઝરબૈજાનમાં બંનેને બંધક બનાવી તેમના પરિવાર પાસેથી કુલ રૂ. 65 લાખની ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મુંબઈના એજન્ટોની લાલચમાં આવી વિદેશ રવાના
આણંદ જિલ્લાના ઝાંખરીયા ગામનો યુવક અને વાસદની યુવતી અમેરિકા જવા ઇચ્છતા હતા. આ દરમિયાન મુંબઈના એજન્ટોએ તેમને અઝરબૈજાન અને કેનેડા મારફતે અમેરિકા પહોંચાડવાની લાલચ આપી હતી. એજન્ટોની વાતોમાં આવી બંને 30 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટથી રવાના થયા હતા. યોજના અનુસાર તેમને અઝરબૈજાન થઈને કેનેડા અને ત્યાંથી અમેરિકા પહોંચાડવાના હતા, પરંતુ દિલ્હીથી અઝરબૈજાન લઈ જઈ બંનેને બંધક બનાવી દેવામાં આવ્યા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
વીડિયો કોલ પર મારઝૂડ, ખંડણીની માંગ
પરિવારજનોના જણાવ્યા અનુસાર, વોટ્સએપ વીડિયો કોલ પર યુવકને માર મારતા દ્રશ્યો બતાવી ખંડણીની માંગ કરવામાં આવી હતી. ગભરાયેલા પરિવારજનોએ 35 લાખ રૂપિયા રોકડા તેમજ 15 લાખ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી ચૂકવી હતી. યુવતીના પરિવાર પાસેથી પણ 15 લાખ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી પડાવવામાં આવી હતી. આમ, કુલ મળી 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલવામાં આવી હોવાનો આક્ષેપ છે. પરિવારજનોએ એજન્ટો દ્વારા પૈસા ન ચૂકવવામાં આવે તો કિડની કાઢી વેચી નાંખવાની ધમકી અપાઈ હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
5 શખ્સો સામે ફરિયાદ, LCBને તપાસ સોંપાઈ
આ મામલે ગ્રામ્ય પોલીસ મથકે એજન્ટ પવન સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ LCBને સોંપવામાં આવી છે અને મુંબઈ સ્થિત એજન્ટોની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સાંસદ મિતેષ પટેલે કેન્દ્ર સરકારને કરી રજૂઆત
ઘટનાની જાણ થતાં આણંદના સાંસદ મિતેષ પટેલે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને ઇમેઇલ દ્વારા રજૂઆત કરી છે. તેમણે 30 જાન્યુઆરીએ વડોદરા-દિલ્હી-અઝરબૈજાન માર્ગે બંને રવાના થયા હોવાનું ઉલ્લેખ કરી, તેમને સુરક્ષિત પરત લાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, 8 ફેબ્રુઆરીએ એજન્ટે ફોન પર બંનેને છોડી દેવાની વાત કરી હતી, પરંતુ બાદમાં અન્ય નંબરથી મેસેજ આવ્યો હતો કે બંનેને ‘ખાન બાબા’ને વેચી દેવામાં આવ્યા છે. આ મેસેજ બાદ પરિવાર વધુ ભયભીત બન્યો છે.
ગેરકાયદેસર ઈમિગ્રેશન ગેંગ સામે કડક પગલાંની માંગ
આ બનાવે ફરી એકવાર ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતા એજન્ટોના રેકેટ પર સવાલો ઊભા કર્યા છે. પોલીસ અને કેન્દ્ર સરકાર તરફથી તાત્કાલિક અને કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





