સુરક્ષિત ગુજરાત તરફ વધુ એક પગલું: ATSના નવા બિલ્ડિંગ સહિત ₹202 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે 47.98 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે 33.49 કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઈન ખાતે 74.62 કરોડના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે 39.68 કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘા ખાતે 5.74 કરોડના ખર્ચે ડૉગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને 1.34 કરોડના ખર્ચે SRP ગ્રુપ-2 ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો સુવિધા સભર હશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં સુધારો લાવશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો કરશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એટીએસ અને અમદાવાદ શહેર પોલીસના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે અમદાવાદ પોલીસ અને એટીએસ માટે સોનેરી દિવસ છે, કારણ કે એક જ દિવસમાં 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સુરક્ષા અને આવાસના પ્રકલ્પો સાકાર થવા જઈ રહ્યા છે. ગુજરાત એટીએસ આજે સાડા છ કરોડ ગુજરાતીઓના અતૂટ વિશ્વાસનું કેન્દ્ર છે. એટીએસ માત્ર આતંકી હુમલા સમયે જાગતી ફોર્સ નથી, પરંતુ ૩૬૫ દિવસ ૨૪ કલાક રાજ્યનો પ્રત્યેક નાગરિક સુરક્ષિત રહે અને દુશ્મનો આંખ પણ ન ઉઠાવી શકે તે માટે નિરંતર કામ કરતી એક ‘સાયલન્ટ ફોર્સ’ છે.

તેમણે એટીએસની કામગીરીના વિવિધ પાસાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે, આપણી એટીએસ ટીમે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. માત્ર ગુજરાત જ નહીં, પણ અન્ય રાજ્યોમાં થયેલા હુમલાઓના આરોપીઓને પકડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ઓનલાઇન માધ્યમોથી યુવાનોને કટ્ટરપંથી બનાવતા ‘ટેરર મોડ્યુલ્સ’નો પર્દાફાશ કરવામાં એટીએસને મળેલી સફળતા રાજ્યના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે અનિવાર્ય છે. પંજાબની જેલમાંથી ચાલતા નેટવર્કને તોડવું હોય કે બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા ૧૪થી વધુ રાજ્યોમાં ડ્રગ્સની ફેક્ટરીઓ પર દરોડા પાડવાના હોય, એટીએસના જવાનોએ મહિનાઓ સુધી ઘર-પરિવારનો ત્યાગ કરીને આ ઓપરેશન્સ સફળ બનાવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

દરિયાઈ સુરક્ષા અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 1600 કિમીની દરિયાઈ સીમા પર તેજ લહેરો વચ્ચે પાકિસ્તાની ઘૂસણખોરો અને ડ્રગ્સ માફિયાઓની રાહ જોઈને બેસવું એ કોઈ નાની વાત નથી. ૭૫થી વધુ પાકિસ્તાનીઓને સીમા પર જ દબોચી લેવાનું કામ આપણા જવાનોએ કર્યું છે. રાજ્ય સરકાર એટીએસને માત્ર ટેકનિકલ રીતે જ નહીં પણ બજેટરી સહાયથી પણ વધુ સ્ટ્રોંગ બનાવવા કટિબદ્ધ છે. નવું નિર્માણ પામનાર ભવન માત્ર એક ઈમારત નથી, પણ તે વિશ્વસ્તરીય ટેકનિકલ સુવિધાઓથી સજ્જ એક એવું કેન્દ્ર બનશે, જે ગુજરાતની સુરક્ષાને આગામી અનેક વર્ષો સુધી અભેદ્ય રાખશે. દેશ વિરુદ્ધ ષડયંત્ર રચનારાઓને જડબાતોડ જવાબ આપવા માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.

નાણાં, જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, મજબૂત ગુજરાત માટે મજબૂત પોલીસ અને મજબૂત ATS અનિવાર્ય છે. આજે ગુજરાતમાં જે શાંતિનો માહોલ છે અને નવી પેઢીએ ‘કર્ફ્યુ’ શબ્દ સાંભળ્યો નથી, તેનો સંપૂર્ણ શ્રેય ગુજરાત પોલીસ અને ATSની કાર્યક્ષમતાને જાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે આગળ વધી રહી છે. રાજ્યમાં ગુંડાતત્વ, આતંકવાદ અને નાર્કોટિક્સને કોઈ સ્થાન નથી. ગુજરાતને સુરક્ષિત રાખવા માટે ૧૬૦૦ કિમી લાંબા દરિયાકિનારાની સુરક્ષા હોય કે આંતરિક સુરક્ષા, આપણું ATS દળ નિષ્ઠા અને શૌર્ય સાથે કાર્ય કરી રહ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ પરિવારની સુખાકારી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં પોલીસ આવાસ નિગમ દ્વારા મકાનોની ઘટ પૂર્ણ કરવાના ધ્યેય સાથે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે, જેથી પોલીસ જવાનો તણાવમુક્ત થઈ પોતાની ફરજ બજાવી શકે. અદ્યતન ટેકનોલોજી અને આધુનિક સંસાધનો સાથે ગુજરાત પોલીસ રાષ્ટ્રની સુરક્ષામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા રાજ્ય પોલીસ વડા (DGP)  કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, સમાજ અને નાગરિકોની સુરક્ષા રાજ્ય પોલીસની પ્રાથમિકતા છે. પોલીસ વેલ્ફર અને લોકસેવા ક્ષેત્રે મજબૂતી આપનારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણે સૌ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છીએ.

રાજ્યની સુરક્ષા માટે સ્થપાયેલ ATS (Anti-Terrorist Squad) એક વિશિષ્ટ દળ તરીકે સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ જે રીતે ગંભીર પડકાર બની રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા એટીએસને અત્યાધુનિક વેપનરી, આધુનિક તાલીમ અને માનવબળથી સતત સજ્જ કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની રચના દ્વારા આ સંગઠનને વધુ મજબૂતી મળી છે. આજે નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે એટીએસના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત એ સુરક્ષા ક્ષેત્રે એક નવો અધ્યાય છે એમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત પોલીસના આધુનિક હથિયારો અને મરીન કમાન્ડો ફોર્સના અત્યાધુનિક સંસાધનોનું એક ભવ્ય પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સૌ મહાનુભાવોએ ખાતમુહૂર્ત બાદ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને પ્રદર્શનમાં મૂકાયેલા આધુનિક શસ્ત્રો નિહાળી પોલીસ દળની સજ્જતાની સરાહના કરી હતી. કાર્યક્રમ દરમિયાન ATSની કામગીરી અને સિદ્ધિઓ દર્શાવતી એક વિશેષ શોર્ટ ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.

વિવિધ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, અમદાવાદ અને ગાંધીનગરના ધારાસભ્યો, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ફોર્સિસના પ્રતિનિધિઓ, અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અને અન્ય મહાનુભાવો તથા પોલીસ પરિવારોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…