તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરૂદ્ધ નવું ફરમાન બહાર પાડ્યું છે. તાલિબાનના નવા કાયદા અનુસાર અફઘાનિસ્તાનમાં જે નવા મકાનો બનાવવામાં આવી રહ્યા છે તેમાં એવી બારી ન હોવી જોઈએ. કે જેમાંથી પડોશી કે પછી બહારની કોઇ વ્યક્તિ ઘરની અંદર રહેલી મહિલાને જોઇ શકે.. તાલિબાન સરકારના સર્વોચ્ચ નેતાએ આ અંગે આદેશ જારી કર્યો છે. મહિલાઓની એક ઝલક મળવાથી અશ્લીલ હરકતો થઈ શકે છે તેવું તેમાં જણાવાયું છે.
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે X પર આ સંબંધમાં એક પોસ્ટ જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે નવા મકાનોમાં એવી બારી હોવી જોઈએ નહીં કે જેનાથી રસોડું, પડોશીનો કૂવો કે મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી કોઈપણ જગ્યા નજરે પડે. મુજાહિદે વધુમાં કહ્યું કે, ‘મહિલાઓને રસોડામાં કામ કરતી જોઈ, વરંડામાં આવતી-જતી કે કૂવામાંથી પાણી લેતી જોઈને અશ્લીલ હરકતો થઈ શકે છે.’
-> મ્યુનિસિપલ અધિકારીઓ અને સંબંધિત વિભાગો મોનીટરીંગ કરશે :- તાલિબાન સરકારના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગો પણ નવા મકાનો પર નજર રાખશે. તેઓએ ધ્યાન રાખવું પડશે કે આ ઘરોમાં બારી પડોશીઓના ઘર તરફ ન ખુલવી જોઈએ.
-> પહેલેથી જ ખુલ્લી બારીઓ માટે વ્યવસ્થા કરો :- તાલિબાન સરકારે કહ્યું કે જો કોઈ ઘરની કોઈ બારી પહેલાથી જ પડોશીના ઘર તરફ ખુલ્લી હોય તો લોકોએ આ માટે વ્યવસ્થા કરવી પડશે. ઘરના માલિકે કાં તો તેના ઘરની બારી તરફ દિવાલ બનાવવી પડશે અથવા તો કોઈ ખાસ વ્યવસ્થા કરવી પડશે જેથી કરીને કોઈ પાડોશી કે બહારની વ્યક્તિ તે બારી કે બારીમાંથી ઘરની અંદર ન જોઈ શકે.
-> સત્તામાં આવ્યા બાદ તાલિબાન મહિલાઓના અધિકારો પર નિયંત્રણો લાદી રહ્યા છે :- નોંધનીય છે કે ઓગસ્ટ 2021થી અફઘાનિસ્તાનમાં સત્તામાં રહેલા તાલિબાન મહિલાઓના અધિકારો પર નિયંત્રણો લાદી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સે પણ મહિલાઓ પ્રત્યે તાલિબાનની નીતિઓ સામે વાંધો વ્યક્ત કર્યો છે. તાલિબાને મહિલાઓને કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય છોકરીઓ અને મહિલાઓને પ્રાથમિક શિક્ષણ, ઉદ્યાન કે જાહેર સ્થળો પર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.