ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવતી મેટા માટે હવે માત્ર તેની વૈશ્વિક નીતિઓનો આધાર પૂરતો નહીં રહે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી સેવાઓ ચલાવતી મેટાએ ભારતના કાયદા અને સ્થાનિક નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) અને મેટાના અધિકારીઓ વચ્ચે તાજેતરમાં થયેલી ચર્ચાઓમાં કન્ટેન્ટ મોડરેશન, બાળ શોષણ સંબંધિત કન્ટેન્ટ, ડીપફેક અને પ્લેટફોર્મના રેકમેન્ડેશન એલ્ગોરિધમ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકાર મેટાના સમગ્ર એલ્ગોરિધમને બદલવાનો કોઈ આદેશ આપી રહી નથી. જોકે, પ્લેટફોર્મની નીતિઓ અને કન્ટેન્ટ મોડરેશનની પ્રક્રિયા ભારતીય કાયદા તથા દેશની ભાષાકીય અને સાંસ્કૃતિક જરૂરિયાતોને અનુરૂપ હોવી જોઈએ તે અંગે સરકારનું વલણ સ્પષ્ટ છે.
ગ્લોબલ પોલિસી નહીં, ભારતીય કાયદા મહત્વના
ભારત સરકારનો મુખ્ય ભાર એ વાત પર છે કે ભારતમાં કાર્યરત સોશિયલ મીડિયા કંપનીઓ પોતાની વૈશ્વિક કન્ટેન્ટ પોલિસીને ભારતના કાયદાથી ઉપર રાખી શકે નહીં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં કન્ટેન્ટની સમીક્ષા કરતી વખતે સ્થાનિક ભાષા, સંસ્કૃતિ અને સામાજિક સંદર્ભને સમજવો અત્યંત જરૂરી છે.
સરકારનું માનવું છે કે વિદેશમાં બેઠેલી કન્ટેન્ટ મોડરેશન ટીમો ઘણી વખત ભારતીય ભાષાઓ અને સ્થાનિક સંદર્ભોને યોગ્ય રીતે સમજી શકતી નથી. તેથી મેટાને ભારતમાં સ્થાનિક ક્ષમતાઓ અને માનવીય દેખરેખ વધુ મજબૂત કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે.
ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કાયદાકીય જવાબદારી પહેલાથી જ કડક કરવામાં આવી છે. 2026ના સુધારેલા IT નિયમો હેઠળ સિન્થેટિક અને AIથી તૈયાર કરવામાં આવેલા કન્ટેન્ટ માટે પણ વધુ કડક જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે.
CSAM મામલે સરકારનું ઝીરો ટોલરન્સ વલણ
મેટા સામે સરકારની સૌથી મોટી ચિંતાઓમાં બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલું કન્ટેન્ટ એટલે કે Child Sexual Abuse Material (CSAM) સામેલ છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર આવા કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી જાહેરાતો અંગે સરકાર દ્વારા મેટાને નોટિસ આપવામાં આવી હતી.
MeitYએ ઇન્સ્ટાગ્રામને આવા કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી જાહેરાતો અને સામગ્રીને દૂર કરવા તેમજ સમગ્ર મામલે સ્પષ્ટતા આપવા કહ્યું હતું. મેટાએ જવાબ આપ્યા બાદ સરકાર હાલમાં કંપનીના જવાબની તપાસ કરી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
સરકારનું વલણ છે કે બાળકોના શોષણ સાથે જોડાયેલા કન્ટેન્ટ મામલે કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકારી શકાય નહીં. મેટાએ પણ અગાઉ આવા કન્ટેન્ટ સામે ઝીરો ટોલરન્સ નીતિ હોવાનો દાવો કર્યો હતો અને AI આધારિત ડિટેક્શન સિસ્ટમ તથા કન્ટેન્ટ રિવ્યૂ મિકેનિઝમ મજબૂત કરવાની વાત કરી હતી.
ડીપફેક સામે ‘હ્યુમન ઇન ધ લૂપ’
ડીપફેક અને AIથી તૈયાર થતા કન્ટેન્ટને લઈને પણ સરકાર ગંભીર છે. ખાસ કરીને જાણીતી વ્યક્તિઓના ચહેરા અને અવાજનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ખોટા વીડિયો અથવા અન્ય કન્ટેન્ટ ઝડપથી વાયરલ થવાથી ચિંતા વધી છે.
સરકારનો ભાર છે કે આવા સંવેદનશીલ કન્ટેન્ટ અંગે માત્ર ઓટોમેટેડ સિસ્ટમના આધારે નિર્ણય ન લેવાય. જરૂરિયાત હોય ત્યાં માનવીય સમીક્ષા એટલે કે ‘હ્યુમન ઇન ધ લૂપ’ વ્યવસ્થા હોવી જોઈએ.
2026ના નવા IT નિયમો હેઠળ AIથી બનાવવામાં આવેલા અથવા બદલાયેલા કન્ટેન્ટને ઓળખી શકાય તેવી રીતે લેબલ કરવાની અને ચોક્કસ પ્રકારના ગેરકાયદેસર કન્ટેન્ટ સામે ઝડપી કાર્યવાહી કરવાની જવાબદારી પણ પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે.
રેકમેન્ડેશન એલ્ગોરિધમ પર પણ સરકારની નજર
મેટાની રેકમેન્ડેશન સિસ્ટમ પણ સરકારની ચર્ચાના કેન્દ્રમાં રહી છે. યુઝરે કોઈ ચોક્કસ કન્ટેન્ટ શોધ્યું ન હોય છતાં તેને સમાન અથવા વાયરલ કન્ટેન્ટ કેમ બતાવવામાં આવે છે, તે અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
ખાસ કરીને હાનિકારક અથવા સિન્થેટિક કન્ટેન્ટ એક વખત ઓળખાઈ જાય ત્યારબાદ પ્લેટફોર્મના એલ્ગોરિધમ દ્વારા તેને વધુ લોકો સુધી પહોંચાડવામાં ન આવે તે મુદ્દો મહત્વનો છે.
સરકાર એ પણ જાણવા માંગે છે કે મેટાની સિસ્ટમ ખોટા અથવા હાનિકારક કન્ટેન્ટને ઓળખ્યા બાદ તેને માત્ર ડિલીટ કરે છે કે તેની ભલામણ અને વાયરલ થવાની શક્યતા પણ ઘટાડે છે.
‘સેફ હાર્બર’ અંગે પણ જવાબદારી
ભારતીય કાયદા હેઠળ મેટાને ઇન્ટરમીડિયરી તરીકે મળતા ‘સેફ હાર્બર’ સંરક્ષણનું પાલન પણ સરકારની નજર હેઠળ છે. IT Actની કલમ 79 હેઠળ ચોક્કસ શરતો પૂર્ણ કરનાર ઇન્ટરમીડિયરીને યુઝર દ્વારા પોસ્ટ કરાયેલા કન્ટેન્ટ અંગે મર્યાદિત કાનૂની સુરક્ષા મળે છે.
સરકારે તાજેતરના નિયમોમાં પ્લેટફોર્મની જવાબદારીઓ વધુ કડક કરી છે. કોર્ટ અથવા સરકાર દ્વારા ફ્લેગ કરવામાં આવેલા ગેરકાયદેસર કન્ટેન્ટને ઝડપથી દૂર કરવાની સમયમર્યાદા પણ ઘટાડવામાં આવી છે.
આગામી બેઠક પર નજર
મેટા અને સરકાર વચ્ચે ટેકનિકલ સ્તરે ચર્ચા હજુ ચાલુ છે અને આગામી તબક્કામાં વધુ બેઠકો થવાની શક્યતા છે. સરકારનું મુખ્ય લક્ષ્ય એ છે કે ભારતમાં કાર્યરત મેટાના પ્લેટફોર્મ ભારતીય કાયદા, સ્થાનિક ભાષાઓ અને સાંસ્કૃતિક સંદર્ભ અનુસાર જવાબદારીપૂર્વક કામ કરે.
આ સમગ્ર મામલો હવે માત્ર કન્ટેન્ટ દૂર કરવા સુધી મર્યાદિત રહ્યો નથી. CSAM, ડીપફેક, AI કન્ટેન્ટ, રેકમેન્ડેશન એલ્ગોરિધમ અને યુઝર સેફ્ટી જેવા મુદ્દાઓ પર સરકાર પ્લેટફોર્મની જવાબદારી નક્કી કરવા માંગે છે. તાજેતરમાં મેટાના માર્ક ઝકરબર્ગે પણ ભારતીય અધિકારીઓ સમક્ષ CSAM, ડીપફેક અને અન્ય ઓપરેશનલ ભૂલો અંગે માફી માગી હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.
આથી આગામી દિવસોમાં મેટા ભારતીય નિયમોનું પાલન કેવી રીતે મજબૂત કરે છે અને સરકાર તેની કામગીરી પર શું કાર્યવાહી કરે છે તેના પર ટેક ઇન્ડસ્ટ્રીની નજર રહેશે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





