નાગાલેન્ડમાં સતત પડી રહેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યના મોન જિલ્લામાં રવિવારે સવારે થયેલા ભયાનક ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં 13 મકાનો સંપૂર્ણપણે કાટમાળ નીચે દબાઈ ગયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે.
આ દુર્ઘટના મોન જિલ્લાના ડિફેન્સ કોલોની વિસ્તારમાં બની હતી, જ્યાં ભારે વરસાદ બાદ અચાનક પહાડીનો મોટો ભાગ ધસી પડતાં રહેણાંક મકાનો ક્ષણોમાં જ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.
SDRF, NDRF અને આસામ રાઇફલ્સ બચાવ કામગીરીમાં જોડાયા
ભૂસ્ખલનની માહિતી મળતા જ SDRF, NDRF, આસામ રાઇફલ્સ, સ્થાનિક પોલીસ અને સેનાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવકર્મીઓ ભારે મશીનો અને અન્ય સાધનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં કાટમાળમાંથી 4 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઉપરાંત 12 લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભારે વરસાદ બન્યો દુર્ઘટનાનું કારણ
મોન જિલ્લાના ડેપ્યુટી કમિશનર વેન્યેઈ કોન્યાકે જણાવ્યું કે શનિવાર અને રવિવારની મધરાતથી જ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદ સતત ચાલુ રહેતા પહાડી વિસ્તારોમાં જમીન નબળી પડી ગઈ હતી.
સવારે લગભગ 6થી 7 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલનની માહિતી મળી હતી. સૌથી વધુ અસર મોન ટાઉન અને તિજિત વિસ્તારમાં જોવા મળી રહી છે. હાલમાં પણ કાટમાળ નીચે ઓછામાં ઓછા ચાર લોકો ફસાયેલા હોવાની આશંકા છે અને તેમને શોધવા માટે બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે.
સતત વરસાદથી બચાવ કામગીરીમાં મુશ્કેલી
રાહત અને બચાવ કામગીરી દરમિયાન સતત વરસાદ, પહાડી વિસ્તારનું જોખમ અને પાણીના તેજ પ્રવાહને કારણે બચાવકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાટમાળ અસ્થિર હોવાથી સાવચેતીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું છે કે હવામાન અનુકૂળ બનતાં બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવશે.
મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ વ્યક્ત કર્યો શોક
નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર સંદેશ આપીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને તમામ સંબંધિત એજન્સીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમણે મૃતકોના પરિવારજનોને તાત્કાલિક આર્થિક સહાય તેમજ અસરગ્રસ્ત પરિવારોને જરૂરી રાહત સામગ્રી અને અન્ય સહાય પૂરી પાડવાની જાહેરાત પણ કરી છે.
નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર
ભારે વરસાદને કારણે મોન જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નદી કિનારે જમીન ધોવાણની સ્થિતિ સર્જાતા કેટલાક અન્ય મકાનો પર પણ જોખમ ઊભું થયું છે.
વહીવટીતંત્રે જોખમગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી લોકોને પહાડી ઢોળાવો, નદી કિનારા અને ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને બચાવ એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હાલ સૌની નજર કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી પર છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






