ગુલમર્ગ ગોન્ડોલા ખાતે ઉનાળાની રજાઓ માણવા ગયેલા ગુજરાતના પર્યટકો માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગ માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા એશિયાની સૌથી ઊંચી ગણાતી ગોન્ડોલા કેબલ કાર રાઇડ અધવચ્ચે જ બંધ થઈ ગઈ હતી.
આ ઘટનાના કારણે રાજકોટ, અમદાવાદ અને વડોદરા સહિત ગુજરાતના 1 હજારથી વધુ પર્યટકો પહાડોની વચ્ચે હવામાં ફસાઈ ગયા હતા. રાઇડ અચાનક બંધ થઈ જતા પર્યટકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને સ્થળ પર ચીસાચીસનો માહોલ સર્જાયો હતો.
યાંત્રિક ખામીથી અધવચ્ચે અટકી કેબલ કાર
મળતી માહિતી મુજબ ગોન્ડોલા રાઇડમાં અચાનક ટેકનિકલ અથવા યાંત્રિક ખામી સર્જાતા કેબલ કાર જ્યાં હતી ત્યાં જ અટકી પડી હતી. ખાસ કરીને ટોચ પર પહોંચેલા અને પરત ફરી રહેલા પર્યટકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાં લાંબા સમય સુધી ફસાયેલા કેટલાક પર્યટકોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો હતો કે ઘટના સમયે સ્થળ પર પૂરતો ટેકનિકલ સ્ટાફ અથવા મેનેજમેન્ટ ટીમ હાજર નહોતી. અનેક પ્રવાસીઓએ સોશિયલ મીડિયા મારફતે મદદની અપીલ પણ કરી હતી.
રેસ્ક્યુ ટીમો તાત્કાલિક એક્શનમાં
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને કાશ્મીર પ્રવાસન વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. કાશ્મીર પ્રવાસન વિભાગ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો દ્વારા હવામાં ફસાયેલા તમામ પર્યટકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઘટનામાં ફસાયેલા મોટાભાગના લોકો ગુજરાતના હોવાથી રાજકોટ અને અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનોમાં પણ ચિંતા ફેલાઈ ગઈ હતી. જોકે, તંત્ર દ્વારા તમામ પર્યટકોને સલામત રીતે બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉનાળાની રજાઓ વચ્ચે મોટી ઘટના
ઉનાળાની રજાઓ દરમિયાન દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતના પ્રવાસીઓ કાશ્મીર પ્રવાસે જતા હોય છે. ખાસ કરીને ગુલમર્ગની ગોન્ડોલા રાઇડ પર્યટકો માટે મુખ્ય આકર્ષણ ગણાય છે. આવી સ્થિતિમાં અચાનક સર્જાયેલી ટેકનિકલ ખામીએ પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276




