મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન–ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના વધતા તણાવની સીધી અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. કુદરતી ગેસની વૈશ્વિક સપ્લાયમાં વિક્ષેપ સર્જાતા ગુજરાત ગેસ લિમિટેડ (GGL)એ રાજ્યના ઉદ્યોગોને આપવામાં આવતા ગેસ પુરવઠામાં 50 ટકા કાપ મૂકવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે.
મોરબી સિરામિક ઉદ્યોગ પર મોટો અસરકારક ઝાટક
મોરબી વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર તરીકે ઓળખાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે R-LNGની ઉપલબ્ધતા ઘટતા ગુજરાત ગેસે ગેસ વેચાણ કરારની જોગવાઈઓ હેઠળ ‘ફોર્સ મેજ્યોર’ જાહેર કર્યું છે.
કંપનીના નિર્ણય મુજબ 6 માર્ચ 2026થી 31 માર્ચ 2026 સુધી તમામ સિરામિક એકમોના ગેસ સપ્લાયમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નિયમિત ગ્રાહકો માટે ફેબ્રુઆરી 2026ના સરેરાશ દૈનિક વપરાશના આધારે નવી દૈનિક ક્વોન્ટિટી (DCQ) માત્ર 50 ટકા નક્કી કરવામાં આવી છે. કંપનીએ ચેતવણી આપી છે કે જો કોઈ ઉદ્યોગ નિર્ધારિત મર્યાદા કરતા વધુ ગેસનો ઉપયોગ કરશે તો કોઈપણ પૂર્વ સૂચના વિના તેનો ગેસ કનેક્શન તાત્કાલિક બંધ કરી શકાય છે.
Non-MGO યુનિટ્સ માટે કડક નિયમો
Non-MGO (મિનિમમ ગેરંટીડ ઓફટેક વગરના) ગ્રાહકો માટે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. આવા ઉદ્યોગો માટે 6 માર્ચથી દૈનિક ગેસ ક્વોટા (DCQ) સંપૂર્ણપણે શૂન્ય કરી દેવાયો છે. જો આવા એકમો ગેસનો ઉપયોગ કરશે તો તેને ‘એક્સેસ ગેસ’ ગણાવી વધુ ચાર્જ વસૂલવામાં આવશે. કંપનીએ એવું પણ જણાવ્યું છે કે નિયમનો ભંગ કરનાર એકમોનું કનેક્શન કોઈપણ સૂચના વિના કાપી શકાય છે.
કતારના નિર્ણયથી સર્જાઈ ગેસ કટોકટી
ભારત દર વર્ષે આશરે 2.7 કરોડ ટન લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)ની આયાત કરે છે, જેમાંથી લગભગ 40 ટકા ગેસ કતાર પાસેથી આવે છે. મધ્ય પૂર્વમાં વધતા હુમલાઓને કારણે કતારે LNGનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈરાન દ્વારા ખાડી દેશો પર સતત હુમલાઓ અને હોર્મુઝ સમુદ્ર માર્ગ પર ઉભી થયેલી અસ્થિરતા કારણે ગેસ અને ક્રૂડ તેલના પરિવહન પર અસર પડી છે. આ પરિસ્થિતિને કારણે વૈશ્વિક બજારમાં ગેસ અને ઓઇલના ભાવમાં વધારો થયો છે, તેમજ શિપિંગ ખર્ચ અને યુદ્ધ જોખમ વીમા પ્રીમિયમમાં પણ વધારો નોંધાયો છે.
રહેણાક અને વાહનોના ગેસ સપ્લાય પર અસર નહીં
સરકાર અને ગેસ કંપનીઓએ હાલ ગેસ સપ્લાયની પ્રાથમિકતા નક્કી કરી છે.
– રહેણાક (Domestic PNG): ઘરગથ્થુ રાંધણ ગેસ આવશ્યક સેવા હોવાથી રહેણાક વિસ્તારમાં ગેસ સપ્લાય યથાવત રાખવામાં આવ્યો છે.
– વાહનો (CNG): જાહેર પરિવહન અને સામાન્ય જનજીવન પર અસર ન પડે તે માટે CNG પંપ પર સપ્લાયમાં કોઈ મોટો ઘટાડો કરાયો નથી.
– ઔદ્યોગિક ક્ષેત્ર: ગેસ કટોકટીનો સૌથી મોટો માર ઔદ્યોગિક એકમો પર પડ્યો છે. ખાસ કરીને સિરામિક સહિતના ઉદ્યોગોમાં ગેસ સપ્લાયમાં 50 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે.
હજારો ઉદ્યોગો સામે ઉત્પાદનનો સંકટ
ગેસ સપ્લાયમાં આ કાપના કારણે મોરબીના હજારો સિરામિક એકમોના ઉત્પાદન પર ગંભીર અસર પડવાની શક્યતા છે. ઉદ્યોગકારો માટે ઉત્પાદન જાળવી રાખવું મુશ્કેલ બની શકે છે અને આવનારા દિવસોમાં નિકાસ તથા રોજગારી પર પણ તેની અસર જોવા મળી શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






