થાણેમાં રૂ. 1,200 કરોડના મોટા રોકાણ કૌભાંડના સેંકડો પીડિત રોકાણકારોએ પોલીસની ધીમી કાર્યવાહી સામે પોલીસ કમિશનરની ઓફિસ બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ કેસની ઝડપી અને અસરકારક તપાસ કરવા તેમજ છેતરપિંડીમાં ગુમાવેલા નાણાં પરત અપાવવાની માંગ ઉઠાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં અંદાજે 11,000 રોકાણકારો સાથે રૂ. 1,200 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ગયા મહિને આ મામલે કાર્યવાહી કરતા ગુજરાતમાંથી દંપતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ આરોપીઓમાં મુખ્ય આરોપી સમીર નાવેકર, તેની પત્ની નેહા નાવેકર અને તેમના સહયોગી અમિત પલાવનો સમાવેશ થાય છે. એક સંકલિત કાર્યવાહીમાં થાણે પોલીસની આર્થિક ગુના શાખાએ પડોશી રાજ્ય ગુજરાતમાંથી આ ત્રણેને ઝડપી લીધા હતા.
પુણે, કોલ્હાપુર, જલગાંવ અને રત્નાગિરી સહિતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રદર્શનકારીઓએ પોલીસ કમિશનરની ઓફિસના પ્રવેશદ્વાર પાસે પહોંચીને રસ્તો અવરોધી દીધો હતો. તેમનો આરોપ હતો કે પોલીસ તપાસ ગોકળગાયની ગતિએ આગળ વધી રહી છે અને હજુ સુધી પૂરતું ન્યાય મળ્યો નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ 2019માં પુણેમાં મુખ્ય મથક ધરાવતી ‘ટ્રેડ વિથ જાઝ’ નામની ઇન્વેસ્ટમેન્ટ કંપનીની સ્થાપના કરી હતી. કંપની દ્વારા આકર્ષક વળતરની લાલચ આપી એક સ્કીમ રજૂ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર મહારાષ્ટ્રમાંથી અંદાજે 1,500 પોલીસ કર્મચારીઓ સહિત 11,000થી વધુ લોકોએ રોકાણ કર્યું હતું.
હાલ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે અને કૌભાંડ સાથે જોડાયેલા અન્ય આરોપીઓ તથા નાણાંના વ્યવહારોની વિગતો ખંગાળવામાં આવી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






