ભાવનગર જિલ્લામાં કથિત નકલી દારૂ પીવાથી થયેલા મોતના બનાવ બાદ પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ખારકડી ગામમાં બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકોની તબિયત લથડતા તેમને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો સામે FIR નોંધી છે.
આ ઉપરાંત ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અને વરતેજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે.
ચાર લોકોના મોતથી ચકચાર
ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારના ખરકડી ગામમાં 16 ઓગસ્ટની રાત્રે કેટલાક મિત્રોએ દારૂની પાર્ટી કરી હતી. ત્યારબાદ એક પછી એક લોકોની તબિયત બગડવા લાગી હતી. પ્રાથમિક તપાસમાં ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ના સેવન બાદ લોકોની તબિયત ખરાબ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
જિલ્લા તંત્રના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહીલ, ઘનશ્યામસિંહ અને નરેન્દ્ર યાદવના મોત થયાની માહિતી છે. જોકે, નરેન્દ્ર યાદવનું મોત શંકાસ્પદ હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે.
ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ પોલીસ દ્વારા નકલી દારૂના સ્ત્રોત અને તેના નેટવર્કને શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
18થી વધુ લોકો સારવાર હેઠળ
નકલી દારૂના સેવન બાદ બીમાર પડેલા લોકોમાંથી અનેકને ભાવનગરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર હાલમાં 18 લોકો સારવાર હેઠળ છે.
તેમાંથી બે દર્દીઓની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ચાર દર્દીઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બે દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અન્ય દર્દીઓની સ્થિતિ સામાન્ય હોવાનું તંત્રએ જણાવ્યું છે.
તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જેમણે રવિવાર અથવા સોમવાર દરમિયાન શંકાસ્પદ અથવા ડુપ્લિકેટ દારૂનું સેવન કર્યું હોય, તેઓ લક્ષણો ન હોય તો પણ તાત્કાલિક તબીબી તપાસ કરાવે.
21 આરોપીઓ સામે FIR
ભાવનગર પોલીસે સમગ્ર કેસમાં કડક કાર્યવાહી શરૂ કરી છે. મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 શખસો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે અત્યાર સુધીમાં ડુપ્લિકેટ દારૂના કથિત વેચાણ સાથે સંકળાયેલા ચાર બુટલેગરોને ડિટેઇન કર્યા હોવાનું સામે આવ્યું છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને નકલી દારૂ ક્યાંથી આવ્યો, કોના મારફતે વેચાયો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા દારૂના નમૂનાઓ પણ કબજે કરવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ બાદ દારૂમાં કયા પ્રકારનું ઝેરી દ્રવ્ય હતું અને મોતનું ચોક્કસ કારણ શું છે તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા પોલીસ વડાએ પાંચ પોલીસકર્મીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અને વરતેજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓનો તેમાં સમાવેશ થાય છે.
આ કાર્યવાહી બાદ પોલીસ વિભાગની કામગીરી અને સ્થાનિક સ્તરે ગેરકાયદે દારૂના વેચાણ અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
ગાંધીનગરથી પણ ખુલાસો માંગવામાં આવ્યો
ભાવનગરના કથિત લઠ્ઠાકાંડ બાદ ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમે પણ મામલાને ગંભીરતાથી લીધો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા પાસે સમગ્ર ઘટના અંગે ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ખાસ કરીને આટલી ગંભીર ઘટના અંગે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ અને ભાવનગર રેન્જ IGને ટેલિફોનિક અથવા લેખિત જાણ કરવામાં આવી હતી કે નહીં, તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. આથી પોલીસ વિભાગની આંતરિક કામગીરી પણ તપાસના દાયરામાં આવી છે.
પરિવારજનોમાં આક્રોશ
ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતકના ભાઈ દ્વારા દારૂમાં ઝેરી પદાર્થ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, દારૂમાં ચોક્કસ કયો પદાર્થ હતો અને તેના કારણે જ મોત થયા છે કે કેમ તે અંગે સત્તાવાર નિષ્કર્ષ તપાસ અને પોસ્ટમોર્ટમ તથા ફોરેન્સિક રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને નકલી દારૂના સપ્લાય ચેઇન સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જો તપાસમાં વધુ લોકોની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
નકલી દારૂ સામે તંત્રની કડક કાર્યવાહી
ભાવનગરની ઘટના ફરી એકવાર ગેરકાયદે દારૂના વેચાણના જોખમને સામે લાવી છે. એક જ ઘટનામાં અનેક લોકોની તબિયત બગડવી અને ચાર લોકોના મોત થવાથી તંત્રની ચિંતામાં વધારો થયો છે.
જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારનો શંકાસ્પદ દારૂનું સેવન ન કરે અને જો કોઈ વ્યક્તિએ તાજેતરમાં આવો દારૂ પીધો હોય તો લક્ષણો દેખાય તેની રાહ જોયા વગર તબીબી તપાસ કરાવે.
હાલ સમગ્ર કેસમાં તપાસ ચાલુ છે. 21 લોકો સામે નોંધાયેલી FIR, પાંચ પોલીસકર્મીઓનું સસ્પેન્શન અને કથિત બુટલેગરો સામેની કાર્યવાહી બાદ હવે તપાસમાં નકલી દારૂના મુખ્ય સપ્લાયર અને સમગ્ર નેટવર્ક અંગે કઈ વિગતો બહાર આવે છે તેના પર સૌની નજર છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





