દર વર્ષે 28 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ (World Day for Safety and Health at Work) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ છે કાર્યસ્થળે સલામત અને સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત કરવાનો અને કર્મચારીઓના જીવન અને આરોગ્ય માટે જાગૃતિ ફેલાવવાની.
કેમ ઉજવાય છે આ દિવસ?
આ દિવસ એ યાદ અપાવે છે કે દરેક વ્યક્તિને એવી કામકાજની જગ્યા મળવી જોઈએ જ્યાં તે નિર્ભય રીતે કામ કરી શકે અને જ્યાં સલામતીના પૂરતા ઉપાયો હોય. ઘણી વખત, નાની બેદરકારી જીવલેણ બની શકે છે. આ દિવસ એ સમજાવે છે કે “સલામતીમાં કોઈ પણ સમાધાન ચાલશે નહીં.”
ઇતિહાસ
આ દિવસની શરૂઆત આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી. જોકે, 28 એપ્રિલની તારીખ પસંદ કરવાનું મુખ્ય કારણ છે “મૃત અને ઘાયલ કામદારો માટેનો આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ”, જેની ઉજવણી વર્ષ 1996થી ટ્રેડ યુનિયનો દ્વારા શરૂ કરવામાં આવી હતી.
મહત્વ
આ દિવસ માત્ર સુરક્ષા માટે જ નહિ, પરંતુ કર્મચારીઓના માનસિક અને શારીરિક આરોગ્ય માટે પણ મહત્વપૂર્ણ સંદેશ આપે છે. કંપનીઓ, ઉદ્યોગો અને સરકારો માટે આ દિવસ ચેતવણી છે કે તેઓ તેમના કર્મચારીઓ માટે યોગ્ય સલામતી નીતિઓ અમલમાં મૂકે.
2025 ની થીમ
2025 માટે ILO દ્વારા ઘોષિત થીમ છે “સ્વાસ્થ્ય અને સલામતીમાં ક્રાંતિ લાવવી: કાર્યસ્થળમાં AI અને ડિજિટલાઇઝેશનની ભૂમિકા” આ થીમ મુજબ, AI, IoT, Robotics અને Virtual Reality જેવી નવી ટેકનોલોજી કાર્યસ્થળે સુરક્ષા વધારવામાં મદદરૂપ બની શકે છે. જેમ કે સ્માર્ટ હેલ્મેટ, સેન્સર આધારિત ચેતવણી સિસ્ટમ, ઓટોમેટેડ મોનિટરિંગ જે ભવિષ્યમાં જોખમ ઘટાડશે.
અભિયાન અને પ્રવૃત્તિઓ
આ દિવસે વિવિધ દેશોમાં:
– સલામતી ટ્રેનિંગ
– જાગૃતિ અભિયાન
– સેમિનાર અને વર્કશોપ
– પોસ્ટર્સ, સામૂહિક પ્રતિજ્ઞા અને ખાસ કાર્યક્રમો આયોજિત થાય છે.
આ દિવસનું મહત્વ જણાવતી કેટલીક મુખ્ય બાબતો છે,
– કર્મચારીઓના જીવન અને આરોગ્યનું રક્ષણ કરવું.
– વધુ સારા સુરક્ષા પગલાં અમલમાં મૂકવા માટે કંપનીઓને પ્રેરિત કરવી.
– સરકારોને કડક સુરક્ષા કાયદા બનાવવા માટે જાગૃત કરવા.
– તણાવમુક્ત અને સ્વસ્થ કાર્યકારી વાતાવરણ બનાવવા માટે.
– ભવિષ્યમાં અકસ્માતો અટકાવવા માટે જરૂરી પગલાં લેવા.
વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ એ માત્ર સ્મૃતિનો દિવસ નથી – પણ એક તક છે, જ્યાં આપણે કર્મચારીઓ માટે વધુ સુરક્ષિત, આરોગ્યદાયક અને ટેકનોલોજી આધારિત કાર્યસ્થળ બનાવવાનો સંકલ્પ લઈએ.







