કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ- 4” લેબનો શિલાન્યાસ; જાણો વિગત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ- 4” લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ” સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ વેળાએ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહ દરમિયાન ગુજરાત બાયો-ટેક્નોલોજી રીસર્ચ સેન્ટરની “બાયો સેફ્ટી લેવલ- 4” સુવિધાને ભારત સરકારની “BioE3 નીતિ” અંતર્ગત ‘નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી’ તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્રીય બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) એનાયત કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. પુણે બાદ દેશની આ માત્ર બીજી ઉચ્ચ સ્તરીય લેબ છે, પરંતુ રાજ્ય સરકારની વિશેષ પહેલથી રૂ. 362 કરોડના ખર્ચે નિર્માણ પામનારી આ દેશની પ્રથમ BSL-4 લેબ બનશે. ભવિષ્યમાં આ લેબ જીવલેણ વાયરસો સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો પૂરવાર થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિજ્ઞાન અને ટેકનોલોજી રાષ્ટ્રના વિકાસનો આધાર સ્તંભ હોવો જોઈએ’ તેવા વિઝનને દોહરાવતા શાહે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની આ લેબ સંશોધકો અને યુવાનો માટે અનેક તકોના દ્વાર ખોલશે. ખાસ કરીને પશુઓમાંથી માણસોમાં ફેલાતી બીમારીઓને અટકાવવા માટે વડાપ્રધાનએ શરૂ કરેલા “વન હેલ્થ મિશન”ને આ લેબથી વેગ મળશે. તાજેતરમાં ગુજરાતે અનુભવેલા ચાંદીપુરા અને લમ્પી સ્કીન ડીઝીસ જેવા સંકટો સામે આ પ્રકારની રીસર્ચ આધારિત કાયમી સુરક્ષા વ્યવસ્થા અનિવાર્ય હતી.

ભારતના બાયો ટેકનોલોજી ક્ષેત્રમાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનના આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું કે, છેલ્લા 11 વર્ષમાં બાયો-ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. વર્ષ 2014માં ભારતની બાયો-ઈકોનોમી જે 10 બિલિયન ડોલર હતી, તે વર્ષ 2024 સુધીમાં વધીને 166 બિલિયન ડોલરને પાર પહોંચી છે. સંશોધનને ‘આવિષ્કારનો આત્મા’ ગણીને કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી માળખાકીય સુવિધાઓને કારણે આજે ભારતના વૈજ્ઞાનિકો અત્યંત સુરક્ષિત વાતાવરણમાં વિશ્વસ્તરીય સંશોધનો કરી રહ્યા છે.

ગૃહ મંત્રીએ સ્ટાર્ટઅપ અને રોકાણના ક્ષેત્રે થયેલી વૃદ્ધિ પર પ્રકાશ પાડતા કહ્યું કે, વર્ષ 2014માં આ ક્ષેત્રે 500થી પણ ઓછા સ્ટાર્ટઅપ્સ હતા, જે આજે 10,000થી વધુ થયા છે. તેવી જ રીતે, ઇન્ક્યુબેટર્સની સંખ્યા 6 થી વધીને 95 અને ઇન્ક્યુબેસન સ્પેસ 60 હજાર સ્ક્વેર ફૂટથી વધીને 9 લાખ સ્ક્વેર ફૂટ થઈ છે. નોંધપાત્ર રીતે, પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ.10 કરોડથી વધીને રૂ. 7000 કરોડ સુધી પહોંચ્યું છે અને પેટન્ટ ફાઈલિંગની સંખ્યા પણ ૧૨૫થી વધીને 1300ને પાર કરી ગઈ છે, જે દર્શાવે છે કે ભારતના યુવાનો હવે ‘જોબ શિકર’ નહીં પણ ‘જોબ ગીવર’ બન્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારની “BioE3 નીતિ” હેઠળ દેશને બાયો-ટેક્નોલોજી ક્ષેત્રે વધુ ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર છે. ભારત આજે કોરોના અને સર્વાઈકલ કેન્સર જેવી ગંભીર બીમારીઓની વેક્સીનનું સ્વદેશી નિર્માણ કરી રહ્યું છે. તેમણે વિદ્યાર્થીઓ અને સંશોધકોને આહ્વાન કર્યું હતું કે, ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી હવે તેમના ખભા પર છે. આ લેબ આગામી સમયમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે અનેક સકારાત્મક પરિવર્તનો લાવવા માટે સક્ષમ બનશે.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત આજે ‘વિકાસ’ અને ‘વિરાસત’ બંનેને સાથે લઈને આગળ વધી રહ્યું છે. કોરોના કાળમાં ભારતીય વૈજ્ઞાનિકોએ ટૂંકા સમયમાં વેક્સિન બનાવી 140 કરોડ નાગરિકોને સુરક્ષિત કરી વિશ્વને મદદ કરી છે, જેના પાયામાં વિજ્ઞાન અને ટેકનોલોજીને રાષ્ટ્રના વિકાસનો આધાર સ્તંભ બનાવવાનો અભિગમ રહ્યો છે. આ લેબ દ્વારા ભારતીય વૈજ્ઞાનિકો હવે સેમ્પલ ટેસ્ટિંગ માટે વિદેશ પર નિર્ભર નહીં રહેવું પડે, જે સ્વાસ્થ્ય ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સિદ્ધ કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ ૨૦૨૭ સુધીમાં સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજી ક્ષેત્રમાં પણ ભારત વિશ્વસ્તરે પ્રથમ હરોળમાં હશે.

એન્ટીબાયોટિક દવાઓના દુરુપયોગ અંગે વ્યક્ત કરી ચિંતા
ગૃહ મંત્રીએ એન્ટીબાયોટિક દવાઓના દુરુપયોગથી ઉભા થતા ‘સાયલન્ટ ડિઝાસ્ટર’ (AMR) સામે ચિંતા વ્યક્ત કરી વિદ્યાર્થીઓ અને સંશોધકોને સંશોધન દ્વારા નવી પેઢીને સુરક્ષિત કરવા આહવાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ બાયોટેક ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વર્ષ ૨૦ 4૭ સુધીમાં ‘વિકસિત ભારત’નું લક્ષ્ય સિદ્ધ કરવા નેશનલ ફેસિલિટીનો મહત્તમ ઉપયોગ કરી માનવ જીવનને ઉપયોગી એવા ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને વેક્સિન બનાવવા હાકલ કરી હતી. આ સુવિધા માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક સુરક્ષા કવચ બનીને ઉભરશે.

વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશ જ્યારે વિકસિત ભારત’ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે બાયોટેકનોલોજી જેવું વિજ્ઞાન આપણને સુરક્ષા આપશે અને સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી વિરાસત આપણને ગૌરવપૂર્ણ ઓળખ આપશે. ભારત આજે સંસ્કૃતિના પાયા પર આધુનિક વિજ્ઞાનની ઈમારત ચણી રહ્યું છે. બાયોટેક ક્ષેત્રે થયેલું આ નવું સંશોધન દેશના આરોગ્ય ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશને સંભવિત મહામારીઓ સામે વધુ સુરક્ષિત બનાવતો આ પ્રકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હેલ્થ કેર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટનો મહત્વપૂર્ણ પ્રકલ્પ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાનસમય કરતા આગળનું વિચારનારા વિઝનરી લીડર છે તેમના આવા જ વિઝનથી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર જી.બી.આર.સી. કાર્યરત કરીને વાયરલ જન્ય રોગચાળા, જેનેટિક સંક્રમણો અને મહામારી જેવા ગંભીર આરોગ્ય સેક્ટરના નિદાન સંશોધન માટે બહારની સંસ્થાઓ પર નિર્ભર રહેવું ન પડે તેવો આત્મનિર્ભરતાનો ધ્યેય પાર પાડ્યો છે. મુખ્યમંત્રીએ BSL-4 લેબ કાર્યરત થવાથી હાઈ રીસ્ક વાઈરસ પર રાજ્યમાં સંશોધન શક્ય બનાવાથી સમયસર, ચોક્કસ અને વિશ્વસનીય નિદાન ઉપલબ્ધ થશે તેમજ આરોગ્ય તંત્ર વધુ સશક્ત અને સજ્જ બને તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ જી.બી.આર.સી. માત્ર સંશોધન સંસ્થાન જ નહીં પરંતુ રાજ્યની બાયોટેક કેપેસિટીનું નોડલ સેન્ટર પણ છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, BSL-4 લેબમાં જે સંશોધન થશે તે સીધું નિદાન, સારવાર અને જાહેર સ્વાસ્થ્યની નીતિઓમાં પરિવર્તિત થનારું ટ્રાન્સલેશન રિસર્ચ બનશે. તેમણે વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાનના સંકલ્પને સ્વસ્થ, સુરક્ષિત અને આત્મનિર્ભર ભારતથી સાકાર કરવામાં આ BSL-4 ફેસીલીટી માઈલસ્ટોન સાબિત થશે તેમ જણાવ્યુ હતુ.

સ્વાગત પ્રવચન કરતાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભારતનો ઇતિહાસ અને ભૂગોળ બદલવામાં જેમ મહાત્મા ગાંધી, સરદાર પટેલનું યોગદાન રહ્યું છે, તેમ આધુનિક ભારત અને ગુજરાતનું ભાગ્ય બદલવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે કર્યું છે.

ગુજરાતની આ પ્રથમ અને દેશની અત્યંત મહત્વની સંશોધન સુવિધા વૈશ્વિક આરોગ્ય પડકારોનો સામનો કરવામાં નિર્ણાયક સાબિત થશે તેમ જણાવતા મંત્રીએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનની પરિકલ્પનાથી ‘ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન’ (GSBTM) ની સ્થાપના થઈ હતી. આજે તે જ વિઝનને પરિણામે ગુજરાત એશિયાની પ્રથમ ડેડિકેટેડ બાયોટેક યુનિવર્સિટી ધરાવતું રાજ્ય બન્યું છે. જે સંશોધન સુવિધાનું આજે ખાતમુહૂર્ત થયું છે તે ભારત સરકાર દ્વારા ડેઝિગ્નેટ કરાયેલી ગુજરાતની આ પ્રકારની પ્રથમ સંશોધન સુવિધા છે.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સાંસદ સર્વ હસમુખભાઈ પટેલ, હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, ધારાસભ્ય સર્વ રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, ભારત સરકારના બાયોટેકનોલોજી સચિવ રાજેશ ગોખલે, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ પી. ભારતી અને ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે સહિત વિવિધ પદાધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…