કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ આ બેઠકમાં અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ કરી કે, રસ્તાઓની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય તથા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાય તે અતિ આવશ્યક છે.
નિતીન ગડકરીએ કહ્યુ કે, નેશનલ હાઈવેના નિર્માણ અને રીસર્ફેસીંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાશે નહિ. એટલુ જ નહી, નક્કિ કરેલી સમય મર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ નહિ થાય અને નિષ્કાળજી જણાશે તો ઈજારદારને બ્લેકલિસ્ટ કરવા સુધીના કડક પગલા પણ લેવાશે.
20 હજાર કરોડની મળશે કેન્દ્રમાંથી સહાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રિય મંત્રીને અનુરોધ કર્યો કે, નેશનલ હાઈવે પર રાજ્યમાં 35 ટકાથી વધુનું ભારણ રહે છે એ સંદર્ભમાં આ હાઈવેઝની યોગ્ય મરામત થતી રહે અને જરૂર જણાયે વિસ્તૃતિકરણના કામો પણ NHAI કરતી રહે. તેમણે ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ -ગોંડલ- જેતપુર, અમદાવાદ-ઉદેપૂર આ ત્રણ માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પુર્ણ થાય તે જોવા પણ કેન્દ્રિય મંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય મંત્રી ગડકરીજીને કરેલી રજૂઆત અંગે ત્વરિત પ્રતિસાદ આપતા નીતિન ગડકરીજીએ ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ માટે રૂ.20 હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આ બેઠકમાં આપી હતી.
નેશનલ હાઈવે આથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી થયેલી કામગીરી અને આગામી સમયમાં NHAI અને મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા હાથ ધરાનારા વિવિધ પ્રોજેક્ટ્સ અંગે પણ આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતું. ગુજરાતમાં આવેલા વિવિધ નેશનલ હાઈવેની વર્તમાન સ્થિતિ, રોડના કામો ક્યાં સુધીમાં પૂર્ણ કરવાના હતા, હાલમાં બાકીના કામો ક્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે જેવા વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય સચિવ એમ.કે. દાસે ગુજરાત સરકાર દ્વારા હાઈવેઝ અને માર્ગોની થઈ રહેલી કામગીરી અને કેન્દ્ર સરકાર સાથેના સંકલનની વિગતો આપી હતી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






