સામાન્ય રીતે સરકારી કચેરીઓ એટલે ફાઈલોનો ગડગડાટ અને અધિકારીઓની ગંભીરતા, પરંતુ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા. ગાંધીનગરના કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય સમયે સમગ્ર વહીવટી તંત્ર અને નાગરિકોની આંખો છલકાઈ ઉઠી હતી. સત્તાની ખુરશીનો રુઆબ ત્યજીને લોકોની વચ્ચે ‘ભઈલુ’ અને ‘સંગાથી’ બનીને રહેનારા આ અધિકારીની વિદાય એક ઐતિહાસિક અને ભાવુક ક્ષણ બની ગઈ હતી.
સત્તા અને સંવેદનાનો અનોખો સંગમ
મેહુલ કે. દવેએ તેમના કાર્યકાળ દરમિયાન સાબિત કરી દીધું કે જ્યારે સત્તા સંવેદના સાથે ભળે છે, ત્યારે વહીવટ માત્ર પ્રક્રિયા નથી રહેતો પણ એક ‘પરિવાર’ બની જાય છે. આંગણવાડીના ભૂલકાઓ માટે તેઓ ‘કલેક્ટર સાહેબ’ નહીં પણ વાર્તા કહેનારા ‘મોટા ભાઈ’ બનીને જમીન પર બેસી જતા. ખેડૂતોની વચ્ચે પલાઠી વાળીને બેસવું અને તેમની પીડા સમજવી એ તેમની આગવી શૈલી હતી. વહીવટી તંત્રના નાનામાં નાના કર્મચારીના ચહેરા પર ઉજાસ લાવનારા આ અધિકારી માટે આજે આખું તંત્ર હિબકે ચઢ્યું હતું.
વિદાય વેળાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. અધિકારીઓ અને કર્મચારીઓની અશ્રુભીની આંખો એ વાતની સાક્ષી પૂરતી હતી કે મેહુલ કે. દવે માત્ર એક અધિકારી જ નહીં, પણ એક એવા સંવેદનશીલ કવિ પણ છે જેમના શબ્દો કાગળ પર નહીં પણ લોકોના હૃદયમાં છપાયેલા છે. ગાંધીનગર કલેક્ટર કચેરીનો આજનો આ માહોલ એ વાતનું પ્રમાણ છે કે સાચી સત્તા એ છે જે લોકોના હૃદય પર રાજ કરે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





