ગુજરાત રાજ્ય સરકારે ખાનગી ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે મોટું પગલું ભર્યું છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરીયાએ જાહેર કર્યું છે કે ટ્યુશન ક્લાસીસના સંચાલનમાં સુધારવા અને પારદર્શિતા લાવવા માટે કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 8 સભ્યોની વિશેષ કમિટી નિમેલી છે.
શિક્ષણ મંત્રીએ શું કહ્યું?
શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરીયાએ કહ્યું,“ટ્યુશન ક્લાસીસ પર નિયમન જરૂરી બની ગયું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટતા રોકવા માટે સરકાર કડક કાયદો લાવશે. કમિટી ટૂંક સમયમાં પોતાનું કાર્ય શરૂ કરશે અને સરકારને અહેવાલ આપશે.”
નોટિફિકેશન પણ થયું જાહેર
શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભમાં અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ કાયદો વાલી અને વિદ્યાર્થીઓ બંને માટે રાહતભર્યો અને જરૂરી પગલું માનવામાં આવી રહ્યો છે.
શા માટે જરૂર પડી?
છેલ્લા ઘણા સમયથી ટ્યુશન સંચાલકો અંગે કેટલીક ફરિયાદો સામે આવી છે:
– ખુબજ વધુ ફી લેવામાં આવી રહી છે.
– સ્કૂલ સાથે બાંધછાંદ કરીને ફરજિયાત ટ્યુશન લાવવામાં આવી રહી છે.
– અભ્યાસનું ભારણ વધુ થઈ રહ્યું છે.
– વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ.
કાયદાનો હેતુ શું રહેશે?
– ટ્યુશન ક્લાસીસની ફી પર નિયંત્રણ.
– બધા ટ્યુશન સંચાલકો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત.
– ગુણવત્તા જાળવવા માટે દિશાનિર્દેશ.
– વાલીઓ માટે ફરિયાદ નિવારણ વ્યવસ્થા.
આગળ શું?
કમિટી ટૂંક સમયમાં કામ શરૂ કરશે અને તમામ પાસાઓનું વિશ્લેષણ કરીને રાજ્ય સરકારને અહેવાલ આપશે. કાયદો પસાર થયા બાદ ટ્યુશન ઉદ્યોગ પર સરકારી દેખરેખ વધશે, અને સાથે વિદ્યાર્થીઓ તથા વાલીઓનો ભરોસો પણ વધશે.
ખાનગી ટ્યુશન ક્લાસીસ અંગે રાજ્ય સરકારે લીધો નિર્ણય શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે. હવે જોવું રહ્યું કે કમિટી ક્યારે અહેવાલ આપે છે અને કાયદો કઈ રીતે અમલમાં આવે છે.








