મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંઢણા પાસે અર્દલા ગામમાં દુર્ગા વિસર્જન દરમિયાન એક ભયાનક દુર્ઘટના બની છે. ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી જતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે, જેમાં 8 યુવતીઓનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાં 30થી 35 લોકો તળાવમાં ડૂબી ગયા હોવાની આશંકા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
કેમ બની દુર્ઘટના?
પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ગા વિસર્જન માટે ગામમાંથી લોકો ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા તળાવ તરફ જઈ રહ્યા હતા. પંઢણા નજીકના અર્દલા ગામે તળાવ નજીક કામચલાઉ પુલ પર ટ્રેક્ટર ટ્રોલી પાર્ક કરવામાં આવી હતી. તે દરમિયાન ટ્રોલીનું બેલેન્સ બગડતાં આખી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી. ટ્રોલીમાં લગભગ 30થી વધુ લોકો સવાર હતા.
પ્રથમ તપાસ મુજબ, ટ્રોલીમાં લગાવવામાં આવેલી જાળીઓના કારણે લોકો બહાર નીકળી શક્યા નહીં. જે લોકો તરતા આવડતા હતા તેમણે તરવાથી પોતાનું જીવ બચાવ્યું, પણ મોટા ભાગના લોકો તળાવના ઊંડા પાણીમાં ફસાઈ ગયા.
બચાવ કામગીરી શરૂ
ઘટનાના થતાની સાથે જ સ્થાનિક લોકો અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચ્યા. JCB અને એમ્બ્યુલન્સની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. સાંજે 8 વાગ્યા સુધીમાં 13 મૃતદેહો મળી આવ્યા હતા. સ્થળ પર દસથી વધુ એમ્બ્યુલન્સ પહોંચાડી શકાયાં હતા.
અધિકારીઓની હાજરી
જિલ્લાના કલેક્ટર ઋષભ ગુપ્તા અને પોલીસ અધીક્ષક મનોજ કુમાર રાય ઘટના સ્થળે પહોંચી રહ્યા હતા. બચાવ માટે એનડીઆરએફની ટીમે પણ કામગીરી શરૂ કરી હતી. બચાવેલા લોકોને પંઢના હોસ્પિટલ અને ખંડવા જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
એક પ્રત્યક્ષદર્શીનું વર્ણન
પ્રદિપ જગધનેએ જણાવ્યું કે, “ઘટનાસ્થળે લગભગ 50 ફૂટ ઊંડું પાણી છે. અમે 9 લોકોને બચાવ્યા છે. બચાવેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા છે.”







