હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થઈ અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, સંબોધનમાં કર્યો આ વાતનો ઉલ્લેખ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં 77મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા ખાતે દેશભક્તિના જોમ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રીએ આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને સલામી આપી હતી તથા શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ દળો દ્વારા રાષ્ટ્રીય સલામી સાથે પ્રભાવશાળી માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર મકરબા પોલીસ ગ્રાઉન્ડ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક પર્વના ઐતિહાસિક મહત્ત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં બંધારણ આધારિત વિશ્વના સૌથી મોટા લોકતંત્રના આત્મસન્માનનો સૂર્યોદય થયો હતો. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલા સંવિધાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ પવિત્ર ગ્રંથે આપણને સમાનતા અને ન્યાયના માર્ગે ચાલવાની શક્તિ આપી છે.

અમદાવાદના ઐતિહાસિક વારસા વિશે કરી વાત
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે કનૈયાલાલ મુનશી, સરદાર પટેલ અને મોરારજી દેસાઈ જેવા અનેક બંધારણ ઘડવૈયાઓ ગુજરાતની ધરતીએ આપ્યા છે અને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ બંધારણીય મૂલ્યોને દેશના વિકાસમાં ચરિતાર્થ કરી રહ્યા છે. અમદાવાદના ઐતિહાસિક વારસા વિશે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સાબરમતીના સંત મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની આ કર્મભૂમિ સત્ય, અહિંસા અને લોખંડી મનોબળનો સંગમ છે.

હર્ષ સંઘવીએ 1930ની ઐતિહાસિક દાંડીકૂચનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ ભૂમિએ હંમેશાં દેશને આઝાદી અને વિકાસની દિશા ચીંધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સર્વસમાવેશક અને ટકાઉ વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. અમદાવાદ આજે ભારતનું પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ બનીને વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.શહેરના આધુનિક માળખાકીય પરિવર્તન વિશે સંઘવીએ જણાવ્યું કે વડાપ્રધાનના વિઝનથી સૂકોભઠ્ઠ રહેતો સાબરમતીનો પટ આજે રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને ક્રૂઝ જેવી સુવિધાઓથી વિશ્વના પ્રવાસન નકશા પર ચમકી રહ્યો છે.

ઔદ્યોગિક વિકાસનો કર્યો ઉલ્લેખ
જિલ્લાના ઔદ્યોગિક વિકાસનો ઉલ્લેખ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે સાણંદ, ચાંગોદર અને વિરમગામ આજે ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ હબ બન્યા છે. ધોલેરા ખાતે ભારતનું પ્રથમ આયોજનબદ્ધ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ ‘ફ્યુચર સિટી’ આકાર લઈ રહ્યું છે. સાણંદ અને ધોલેરામાં મળીને કુલ ૪ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ કાર્યરત થવાથી અમદાવાદ દેશનો એકમાત્ર જિલ્લો બનશે, જે ભારતને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં સિંહફાળો અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ઔદ્યોગિક ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’ની સફળતા વિશે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે માંડલ-વિઠ્ઠલાપુર વિસ્તાર આજે વિશ્વનું ઓટોમોબાઇલ ઇકોસિસ્ટમ બની ગયું છે. તેમણે હોન્ડા અને સુઝુકી જેવી દિગ્ગજ કંપનીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ખોરજ ખાતે મારુતિ સુઝુકી વાર્ષિક 10 લાખ કાર ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. જ્યારે દેશનો પહેલો પ્રાઇવેટ સેટેલાઇટ મેન્યુફેકચરિંગ પ્લાન્ટ પણ અમદાવાદ જિલ્લામાં જ આકાર લઈ રહ્યો છે.

વધુમાં, નાયબ મુખ્યમંત્રીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર હેઠળ લોથલ ખાતે બની રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિશે વાત કરતા કહ્યું હતું કે આ મ્યુઝિયમ ભારતની હજારો વર્ષ જૂની દરિયાઈ વેપાર સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરશે. પર્યાવરણની જાળવણી માટે નળ સરોવર પક્ષી અભયારણ્ય એ આપણી ધરોહર છે. પર્યાવરણ સંરક્ષણ માટે આપણે ‘મિશન ફોર મિલિયન ટ્રી’ જેવાં અભિયાનો પર ભાર મૂક્યો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સનો કર્યો ઉલ્લેખ
રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ વિશે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ હવે ‘સ્પોર્ટ્સ સિટી ઓફ ઇન્ડિયા’ તરીકે ઊભરી રહ્યું છે અને ૨૦૩૬ના ઓલિમ્પિકની યજમાની માટે સજ્જ થઈ રહ્યું છે. તેમણે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સ-2030 જેવી વૈશ્વિક ઇવેન્ટ્સ પણ અહીં યોજાવાની છે.

સંઘવીએ ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ જેવી યોજનાઓ દ્વારા લાખો વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સતત પાંચમી વાર ‘બેસ્ટ પર્ફોમર’ જાહેર થયું હોવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આપણું યુવાધન હવે ‘જોબ સીકર નહીં પણ જોબ ગિવર’ બની રહ્યું છે.

વધુમાં, તેમણે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ દ્વારા મહેસાણા અને રાજકોટમાં થયેલા કરોડોના MoUs, દાવોસ વર્લ્ડ ઇકોમિક ફોરમમાં ગુજરાતનો ડંકો અને જર્મન ચાન્સેલર તેમજ UAEના વડાની મુલાકાતોથી વધેલી વૈશ્વિક શાખનો ઉલ્લેખ કર્યો હતો.

યાત્રાધામો ખાતેના વિકાસ કાર્યોની આપી માહિતી
પ્રવાસન ક્ષેત્રે 2026ના વર્ષને ‘પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવાની જાહેરાત સાથે અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ગિરનાર, દ્વારકા સહિતના યાત્રાધામો ખાતેના વિકાસ કાર્યોની માહિતી તેમણે આપી હતી. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના સંકલ્પને 75 વર્ષ પૂર્ણ થતાં ઉજવાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વ’ને તેમણે શિવ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક સ્વાભિમાનનું પર્વ ગણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની મજબૂત સ્થિતિ અંગે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે આગળ વધી રહી છે. ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં 5,482 જેટલા ડ્રગ્સ પેડલરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. મહિલા સુરક્ષા અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, દીકરીઓ પર અત્યાચાર ગુજારનારા 14 નરાધમોને ફાંસીની સજા અપાવી ગુજરાત દેશભરમાં ઝડપી ન્યાય પ્રક્રિયામાં ટોચના ક્રમે છે. આ ઉપરાંત, 907 ગુનેગારોને આજીવન કેદ અને 1,500થી વધુ કેસોમાં માત્ર 15 થી 30 દિવસમાં ચાર્ટશીટ દાખલ કરી પોલીસે રેકોર્ડબ્રેક કામગીરી કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંગઠિત ગુનાખોરી ડામવા માટે ‘ગુજસીટોક’ હેઠળ કડક કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં વર્ષ 2025માં જ 338 ગુંડાઓને જેલભેગા કરાયા છે. પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકોને શોધવાના અભિયાનમાં 66,497 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે, જેમાંથી 17,471 બાળકોને છેલ્લા પાંચ વર્ષમાં તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવાયું છે. ગુંડા તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવીને તે જમીનનો ઉપયોગ નાગરિકોના હિતમાં કરવાની નેમ પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી.

આ ઉજવણી અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક અને સાહસિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શિવ સ્તુતિ, યોગ પ્રદર્શન, લોકનૃત્ય અને પિરામિડ ફોર્મેશન જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા શક્તિ અને શિસ્તના દર્શન કરાવતા ડોગ સ્ક્વોડ, માઉન્ટેડ પ્રદર્શન, રાયફલ ડ્રીલ અને એસ.ઓ.જી. (SOG) ડ્રીલના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા ટેબ્લો પ્રદર્શન દ્વારા જનકલ્યાણકારી યોજનાઓની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી.

કર્યું ‘ટ્રાફિક એક્શન પ્લાન’ બુકનું વિમોચન
નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ અવસરે ‘ટ્રાફિક એક્શન પ્લાન’ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જનજાગૃતિના ભાગરૂપે હેલ્મેટ વિતરણ, પર્યાવરણ જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા ‘ પિકલ બોલ’ કોર્ટનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ તકે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન પત્ર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બજેટ પર પીએમ મોદીનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ 2026 રજૂ કર્યું. આ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું નવમું બજેટ છે. બજેટ રજૂ કરતી વખતે…

પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જાણો શું કહ્યું વનમંત્રીએ

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘8માં…