B INDIA રાજકોટ : પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ બાદ રાજકોટવાસીઓએ પણ એસ.ટી. વિભાગ દ્વારા પ્રયાગરાજ જવા માટે બસ મુકવામાં આવે તેવી માંગ કરી હતી. તેથી લોકલાગણીને માન આપીને આવતીકાલથી એટલે કે 4 ફેબ્રુઆરી, 2025ના રોજ રાજકોટથી પ્રયાગરાજ ખાતે જવા માટે એસટી વોલ્વો બસનો શુભારંભ કરવામાં આવશે.
-> મહાકુંભ માટેનું પેકેજ :- રાજકોટથી પ્રયાગરાજ જવા માટે એસટી વોલ્વો બસનું વ્યક્તિ દીઠ રૂ.8,800/- ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે હવે બુકિંગ પણ શરૂ થઈ ગયા છે. એસટી નિગમની વેબસાઈટ www.gsrtc.in પર જઈને તમે રાજકોટથી પ્રયાગરાજ જવા માટેની વોલ્વો બસના પેકેજનું બુકિંગ કરાવી શકો છો. GSRTCની વધુ પાંચ બસો દોડાવવામાં આવશે. જે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ લઈ જશે. મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ ખાતેથી ઉપડનાર વોલ્વો બસોના મુસાફરોને પહેલી અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારાણ ખાતે કરવામાં આવશે. જ્યારે આ પેકેજમાં પ્રયાગરાજમાં રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે જ કરવાની રહેશે. જો તમે બસ સ્ટેન્ડના કાઉન્ટર પરથી બુકિંગ કરાવશો તો 1% બુકિંગ ચાર્જ વસુલવામાં આવશે.