B INDIA ચોટીલા : દ્વારકા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા યાત્રાધામ ચોટીલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બુલડોઝર ફેરવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ડિમોલેશન કાર્યવાહી પહેલા વહીવટીતંત્રે તમામ દબાણકારોને નોટિસ આપી હતી.
અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું. જોકે, સૂચના છતાં દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. જેના કારણે વહીવટીતંત્રને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ચોટીલા ડુંગરની તળેટીથી રસ્તા સુધી દબાણો કરાયેલી દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા.વહીવટીતંત્ર દ્વારા દબાણો દૂર કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. અને દબાણકારોમાં ખળભળાટ મચી ગયો હતો. આ કડક કાર્યવાહીથી અન્ય વિસ્તારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.