Gandhinagar : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ, જાણો વિગત

ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યની પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા-કારીગરીના રંગે રંગાઈ ગયું છે. બજેટ સત્રમાં આવનાર પ્રજાના પ્રતિનિધિઓ તથા અતિથિઓ અને મુલાકાતીઓ માટે વિધાનસભા સંકુલની ભીંતો પર કંડારાયેલી અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલા કલાની લોક કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિઝનને સાકાર કરવામાં અગ્રેસર મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યની પરંપરાગત કલા-કારીગરીને પ્રજાના પ્રતિબિંબ સમાન વિધાનસભા સંકુલમાં સ્થાન આપી એક નવતર પગલું ભરવામાં આવ્યું છે અને આ પગલું સમગ્ર રાજ્યની પરંપરાગત કલા સંસ્કૃતિ તથા તેની સાથે જોડાયેલા હજારો કલા-કારીગરોને તેમના કૌશલને પરંપરાગત રીતે આગળ વધારવા માટે પ્રેરણાબળ પૂરૂં પાડશે.

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં હસ્તકળા અને હાથશાળ કલા-કારીગરીને સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે અને એ જ દિશામાં આગળ વધતાં વિધાનસભા સંકુલને ગુજરાતના સમૃદ્ધ કલા વારસાથી રંગવામાં આવ્યું છે. રાજ્યમાં પરંપરાગત કલા-કારીગરીને જીવંત રાખવાનું કામ કરતાં સરકારી સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (જીએસએચએચડીસી) લિમિટેડની બ્રાન્ડ ‘ગરવી-ગુર્જરી’ રાજ્ય સરકારના આવા હકારાત્મક પ્રયત્નોને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે અને તેની જ પહેલે ગુજરાતના હજારો કલા-કારીગરોનું પ્રતિનિધિત્વ કરતા કલા-કારીગરોને વિધાનસભા સંકુલ તરીકે ગૌરવમય મંચ આપ્યો છે. તેના પગલે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સંકુલ માત્ર શાસનનું કેન્દ્ર નથી રહ્યું, પણ રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો જીવંત અરીસો બની ગયું છે. આ પહેલ હેઠળ વિધાનસભા સંકુલના વિવિધ વિસ્તારોમાં ગુજરાતની ભાતીગળ અને લોકવારસાની ઝાંખી કરાવતી અનોખી લોકકલાકૃતિઓ કંડારવામાં આવી છે, જે રાજ્યની કલા-કારીગરીની વૈવિધ્યતા અને વૈભવને પ્રતિબિંબિત કરે છે.

કુશળતાના આધારે ત્રણ કળાઓની કરાઈ પસંદગી

ગરવી ગુર્જરીએ વિધાનસભા સંકુલમાં રાજ્યના કલા વારસાને રજૂ કરવા માટે એક સશક્ત પ્લેટફોર્મ તરીકે કાર્ય કરીયું, રાજ્યના પ્રતિભાશાળી હાથશાળ–હસ્ત્કલા કારીગરોને માર્ગદર્શન, પ્રેઝન્ટેશન અને યોગ્ય તક ઉપલબ્ધ કરાવી. ત્યાર બાદ ગરવી-ગુર્જરીની ટીમ દ્વારા કારીગરોની કળાનું વ્યવસ્થિત પ્રસ્તુતિકરણ તૈયાર કરી રજૂ કરવામાં આવ્યું અને તેમની કુશળતા તથા કળાના સ્તરના આધારે પસંદગી કરવામાં આવી.

ગુજરાત વિધાનસભા સંકુલ માટે પસંદ થયેલી મુખ્ય લોકકલાકૃતિઓમાં

(1) ગુજરાતનું પરંપરાગત મડ મિરર વર્ક
(2) છોટા ઉદેપુરની વારલી આર્ટ તથા
(3) અમદાવાદની માતાની પછેડી (પરંપરાગત કલમકારી કળા)નો સમાવેશ થાય છે.

આ ત્રણેય લોકકલાકૃતિઓ આજે વિધાનસભા સંકુલના ભીંતો અને વિસ્તારોને શોભા આપી રહી છે અને રાજ્યની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરી રહી છે.

વારલી કલા દ્વારા પ્રાચીન રાજસભાથી આધુનિક વિધાનસભા સુધીની યાત્રા ભીંતો પર કંડારાઈ

વિધાનસભા સંકુલમાં વારલી કલા દ્વારા પ્રાચીન રાજસભાથી આધુનિક વિધાનસભા સુધની યાત્રા તથા ગ્રામ્યથી શહેરી વિકાસની ભાવનાત્મક તેમજ દૃશ્યાત્મક ઝાંખી વારલી પેન્ટિંગથી રજુ કરવામાં આવી છે. છોટા ઉદેપુરના પ્રતિભાશાળી વારલી કારીગર અર્ચનાબેન રાઠવાએ વારલી કલાનું પ્રદર્શન કર્યું છે. છેલ્લા 8 વર્ષથી ગરવી ગુર્જરી સાથે જોડાયેલા અર્ચનાબેનને આ કળામાં વર્ષ 2022માં રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિધાનસભા પૂર્વે તેમણે ગુજરાત મેડિકલ ડિપાર્ટમેન્ટ (મેડિકલ ઇમરજન્સી મેનેજમેન્ટ થીમ), કમિશ્નર ઓફ કોટેજ એન્ડ રુરલ ઇન્ડસ્ટ્રીઝ તથા ખાદી થીમ જેવા પ્રોજેક્ટ્સ પર પણ સફળ કામગીરી કરી છે.

અર્ચનાબેન કહે છે, “ગરવી ગુર્જરીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા જેવા ગૌરવપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી; તે મારા માટે ગર્વની વાત છે.”

કચ્છી મડ મિરર વર્ક કલા વડે વિધાનસભા સંકુલમાં સાંસ્કૃતિક લોક કલાકૃતિઓ જીવંત કરાઈ

વિધાનસભા સંકુલ પર ગુજરાતની પરંપરાગત કચ્છી મડ મિરર વર્ક કળાનો રંગ પણ છવાયો છે. આ કળાને નવી ઓળખ અપાવનાર ગીરીશ એ. પરમાર આજે આ લોકવારસાના અગત્યના કલાકાર તરીકે જાણીતા છે. મુલતાની માટી અને રંગીન કાચનો ઉપયોગ કરીને તૈયાર થતી આ કળા પરંપરાગત રીતે કચ્છના ભૂંગા ઘરોમાં જોવા મળતી હતી, જેને ગીરીશભાઈ આધુનિક અને પ્રતિષ્ઠિત સ્થાનોમાં સફળતાપૂર્વક રજૂ કરી રહ્યા છે. તેઓ 26 જાન્યુઆરીની ટેબ્લો પરેડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે તથા સચિવાલય, અન્ય સરકારી કચેરીઓ અને ગરવી ગુર્જરી માટે અનેક વિશિષ્ટ પ્રોજેક્ટ્સ તેમણે પૂર્ણ કર્યા છે.

ગુજરાત વિધાનસભા સંકુલમાં કામ કરવાની તક અંગે ગીરીશભાઈ કહે છે, “હું ગરવી ગુર્જરીનો આભારી છું કે તેમણે મને વિધાનસભા જેવા ગૌરવપૂર્ણ સ્થળે મારી પરંપરાગત મડ મિરર (લીપણ વર્ક) કળા રજૂ કરવાની તક આપી. અહીં દેશભરના અધિકારીઓ અને સામાન્ય જનતા આવે છે, અને એ જગ્યાએ મારી પરંપરાગત કચ્છી કળા પ્રદર્શિત થવી મારા માટે ગર્વની વાત છે.”

અમદાવાદી માતાની પછેડી કલાએ સર્જ્યુ પરંપરા-આધુનિકતાનું સંગમ

ગરવી ગુર્જરીના માર્ગદર્શન અને વિશ્વાસથી ચિતારા પરિવારે ગુજરાત વિધાનસભા સંકુલમાં અમદાવાદની પ્રાચીન માતાની પછેડી (કલમકારી) કળા રજૂ કરવાની ગૌરવસભર તક મેળવી. વિધાનસભાની દિવાલો પર માતાની પછેડી દ્વારા પરંપરા અને આધુનિકતાનું અનોખું સંકલન રજૂ કરવામાં આવ્યું છે કે જે સાંસ્કૃતિક વારસાને નવી દિશા આપે છે. આ કળાને જીવંત રાખનાર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ચંદ્રકાંતભાઈ ચિતારા પરંપરાગત કળાના આગવા પ્રતિનિધિ તરીકે ઓળખાય છે. માતાની પછેડી કળા હાલમાં મુખ્યત્વે ચિતારા પરિવાર દ્વારા જ સંરક્ષિત અને આગળ ધપાવવામાં આવી રહી છે, જે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરે છે.

આ પ્રોજેક્ટમાં સહભાગી રહેલા ચંદ્રકાંતભાઈના પુત્રી મિત્તલ ચિતારા કહે છે, ““વિધાનસભા સંકુલમાં કામ કરવાનો અવસર અમારા માટે ગૌરવની ક્ષણ છે. અમારી કલમકારી કળાને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી રહી છે અને જ્યારે અમે અહીં દિવાલ પર કલમકારી પેઇંટિંગ કરી રહ્યા છીએ, ત્યારે લોકો ઉત્સાહથી જોડાઈને કળાને નિહાળી રહ્યા છે. આ કલા માટે અમોને “ગરવી ગુર્જરી” ના માર્ગદર્શન હેઠળ સારો એવો પ્રતિસાદ મળ્યો છે.”

નોંધનીય છે કે ગરવી ગુર્જરી દ્વારા કારીગરોને માત્ર બજાર પૂરતું મંચ જ નહીં, પરંતુ પ્રતિષ્ઠિત સરકારી પ્રોજેક્ટ્સમાં ભાગીદારી કરવાની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્રયત્નોથી સ્થાનિક કારીગરોની પ્રતિભાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહી છે.

ગુજરાતની પ્રાચીન હસ્તકલા આજે વિધાનસભા જેવા ગૌરવપૂર્ણ સંકુલમાં જીવંત બની રાજ્યના સાંસ્કૃતિક વારસાને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે. ગરવી ગુર્જરીનો આ પ્રયત્ન રાજ્યની કલા-કારીગરીને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે.

Related Posts

UGC-NET 2026માં મોટી કાર્યવાહી: અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની ફરી પરીક્ષા, NTAએ જાહેર કરી તારીખ

UGC-NET જૂન 2026 સત્રને લઈને લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાના ત્રણ વિષયોમાં ગંભીર ક્ષતિઓની ફરિયાદો બાદ રી-એક્ઝામ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NTAના જણાવ્યા મુજબ અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) વિષયની પરીક્ષા ફરી લેવામાં આવશે. ઉમેદવારો દ્વારા પ્રશ્નપત્રની ગુણવત્તા, ભાષાંતર અને ટાઈપિંગ સંબંધિત ફરિયાદો કરવામાં આવ્યા બાદ સમગ્ર મામલાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોમાં તથ્ય હોવાનું સામે આવ્યા બાદ આ ત્રણ વિષયની પરીક્ષા ફરી યોજવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત ઉમેદવારોને ફરી એકવાર પરીક્ષામાં બેસવાની તક મળશે. UGC-NET ત્રણ વિષયોની રી-એક્ઝામની તારીખ જાહેર NTA દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાર્યક્રમ મુજબ અંગ્રેજી વિષયની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના…

ઈરાનનું મોટું એલાન: અમેરિકી સૈનિકને પકડવા કે મારવા પર 30 હજાર ડૉલરનું ઈનામ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ગંભીર સૈન્ય તણાવ વચ્ચે ઈરાને વધુ એક આક્રમક જાહેરાત કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ઈરાનના આર્મી ચીફ કમાન્ડર અમીર હાતમીએ જાહેરાત કરી છે કે જે વ્યક્તિ કોઈ અમેરિકી સૈનિકને મારી નાખશે અથવા જીવતો પકડીને ઈરાની સેનાને સોંપશે, તેને 30,000 અમેરિકી ડૉલર એટલે કે અંદાજે 28 લાખ રૂપિયા જેટલું ઈનામ આપવામાં આવશે. આ જાહેરાતથી મધ્ય પૂર્વમાં પહેલેથી જ તંગ બનેલી સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. તેહરાનમાં કમાન્ડર અમીર હાતમીની જાહેરાત અહેવાલો અનુસાર ઈરાની આર્મી ચીફ અમીર હાતમીએ રવિવાર, 16 ઓગસ્ટે તેહરાનમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકી સૈન્યના કોઈ “આક્રમણકારી” જવાનને પકડનાર અથવા ઠાર કરનાર વ્યક્તિને ઈરાની સેનાની તરફથી નાણાકીય ઈનામ…