ઉત્તરાયણને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ઉત્તરાયણમાં 14થી 16 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં રાહત મળશે. તેમજ કચ્છ સિવાયના વિસ્તારોમાં ઠંડી ઓછી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉત્તરાયણના દિવસે સવારે સારો પવન રહેશે તેમજ બપોરના સમયે પવન બહુ નહી રહે અને સાંજના સમયે પાછો પવન ઉઘડશે,સાથે સાથે વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે.
અંબાલાલ પટેલે વધારે માહિતી આપતા જણાવ્યું છે કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.
-> 26 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધશે :- અંબાલાલ પટેલે 26 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. સાથે સાથે, મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે. તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.