બિયારણ-ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારાઓ સામે સરકારનો કડક વલણ, હવે સીધી પોલીસ ફરિયાદ અને જેલની સજા

રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ સરળતાથી અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર વધુ કડક બની છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે ગેરકાયદેસર, પ્રતિબંધિત અથવા ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રીનું વેચાણ કરનાર તેમજ સંગ્રહખોરી કરનાર તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. મંત્રીએ કૃષિ વિભાગને આવા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અને જરૂર પડે ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપી છે.

ખેડૂતોને ગુણવત્તાયુક્ત સામગ્રી આપવા સરકાર પ્રતિબદ્ધ
કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ ખાતર અને બિયારણની ગુણવત્તા જાળવવા માટે કેન્દ્ર સરકારના નિયમો અમલમાં છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર વિક્રેતા અથવા સંસ્થા સામે માત્ર લાયસન્સ રદ કરવાની કાર્યવાહી જ નહીં, પરંતુ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે. ગંભીર ગુનાઓમાં ‘પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ, 1980’ હેઠળ જેલની સજા અને દંડની જોગવાઈ પણ અમલમાં મુકવામાં આવશે.

ત્રણ મહિનામાં 3,526 એકમોની તપાસ
ખેડૂતોના હિતોના રક્ષણ માટે કૃષિ વિભાગનું ગુણવત્તા નિયંત્રણ તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં 85 વિજીલન્સ ટીમોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના 3,526 ઉત્પાદકો અને વિક્રેતાઓ ઉપરાંત ટેકનિકલ ગ્રેડ યુરિયાનો ઉપયોગ કરતી 74 એકમોની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ગુણવત્તાની ચકાસણી માટે કુલ 1,060 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તપાસમાં અનિયમિતતા સામે આવતા 752 વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી છે.

54 લાયસન્સ સસ્પેન્ડ
નિયમોનો ભંગ કરતા પકડાયેલા ખાતરના 42, બિયારણના 6 અને જંતુનાશક દવાના 6 મળીને કુલ 54 લાયસન્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગંભીર બેદરકારીના કેસોમાં ખાતરના એક અને જંતુનાશક દવાના એક એમ કુલ બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

સબસિડીવાળા ખાતર પર પણ કડક નજર
કૃષિ વિભાગ દ્વારા સબસિડીવાળા ખાતરના વેચાણ પર પણ ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાતર વેચાણ કરતી પેઢીઓના POS મશીન, ભૌતિક જથ્થો, રેકોર્ડ અને બિલોની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી છે જેથી કાળાબજારી અને ગેરરીતિઓને અટકાવી શકાય. ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 4,674 ખાતર વિક્રેતાઓ અને ઉત્પાદકોની સ્થળ મુલાકાત લેવામાં આવી છે.

ગયા વર્ષે 246 લાયસન્સ રદ અથવા સસ્પેન્ડ
ગત વર્ષે કૃષિ વિભાગની 276 ટીમોએ રાજ્યભરમાં 6,380 ઉત્પાદકો, વિક્રેતાઓ અને શંકાસ્પદ એકમોની તપાસ કરી હતી. આ દરમિયાન ખાતર, બિયારણ અને જંતુનાશક દવાના કુલ 246 લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવ્યા હતા. ઉપરાંત કાયદાનો ભંગ કરનારા 26 લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

ખેડૂતોના હિત માટે કડક કાર્યવાહી ચાલુ રહેશે
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ખેડૂતોને કોઈપણ પ્રકારનું આર્થિક નુકસાન ન થાય અને તેમને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા કૃષિ ઉત્પાદનો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ભવિષ્યમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

 

 

 

  • Related Posts

    અંબાજી વાસીઓ અને યાત્રિકો માટે સાવધાન! અંબાજી-આબુ રોડ જાણો કેટલા મહિના માટે રહેશે બંધ..?

    બનાસકાંઠા: અંબાજી માતાના મંદિર વિસ્તારના વિકાસના કામોને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ટાઉનમાં અંડરપાસના બાંધકામની કામગીરી શરૂ થતાં, અંબાજીથી આબુ રોડને જોડતા…

    નવા જોશ સાથે ‘નવી ટીમ ઈન્ડિયા’ તૈયાર ઈન્ડિયામાં ૩ યુવા ખેલાડીઓની એન્ટ્રી

    ટીમ ઈન્ડિયાનું નવું મિશન: દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરીઝ માટે બીસીસીઆઈની મોટી જાહેરાત, ૩ યુવા સ્ટાર્સને મળી એન્ટ્રી! ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બીસીસીઆઈ (BCCI) દ્વારા…