ગાંધીનગર, 12 ફેબ્રુઆરી, 2026: ભારતના શહેરોને ‘વૉટર સિક્યોર’ (જળ સુરક્ષિત) અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મિશનની મુખ્ય પહેલોમાં જળસ્ત્રોતોને પુનર્જીવિત કરવાનો, નોન-રેવેન્યુ વોટર (NRW)માં ઘટાડો કરવાનો તેમજ શુદ્ધ કરેલા ગંદા પાણીના પુનઃઉપયોગને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પરંતુ, તે સાથે જ આ મિશન શહેરી વિસ્તારોની સુવિધઓમાં વધારો કરવા માટે સારી રીતે જાળવણી કરાયેલી ગ્રીન સ્પેસ એટલે કે હરિત સ્થળો અને ઉદ્યાનોના વિકાસ પર પણ ભાર મૂકે છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની નગરપાલિકા વિસ્તારોમાં AMRUT 2.0 અંતર્ગત ગ્રીન સ્પેસ એટલે કે હરિત ઉદ્યાનો અને બાગ-બગીચાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં બંજર થયેલા ઉદ્યાનોને પુનઃવિકસિત કરવામાં આવી રહ્યાં છે, તેમજ નવાં બાગ-બગીચાઓ પણ વિકસિત કરવામાં આવી રહ્યાં છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, લાઠી નગરપાલિકામાં વિકસિત કરવામાં આવેલ ભવાની ગાર્ડન! આ ભવાની ગાર્ડનને પુનઃવિકસિત કરીને નંદનવન જેવો આલીશાન હરિયાળો બગીચો બનાવવામાં આવ્યો છે, જેનો આજે લાઠીના નાગરિકો ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, અમૃત 2.0 હેઠળ રાજ્યની શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ₹117.56 કરોડના ખર્ચે કુલ 131 બગીચાઓ વિકસિત કરવાનો લક્ષ્યાંક છે, જેમાંથી 70 બગીચાઓનું વિકાસકાર્ય પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બાકીના 61 બગીચાઓને વિકસિત કરવાનું કાર્ય હાલ પ્રગતિમાં છે.
₹1.26 કરોડના ખર્ચે લાઠીમાં ભવાની પાર્કની થઈ કાયાપલટ
લાઠી નગરપાલિકા વિસ્તારમાં સ્થિત ભવાની ગાર્ડન બંજર થઇ ગયો હતો, જેનો શહેરીજનો કોઈ ઉપયોગ કરતા ન હતા. અમૃત 2.0 યોજના હેઠળ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે આ બગીચાને પુનઃવિકસિત કરવાનું નક્કી કર્યું. આજે ભવાની ગાર્ડનની સંપૂર્ણ કાયાપલટ થઈ છે. લાઠી નગરપાલિકામાં ભવાની બગીચાનું સૌંદર્યીકરણ એ એક મહત્વપૂર્ણ પર્યાવરણીય અને સામુદાયિક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય બગીચાના ઇકોલોજીકલ સંતુલનને પુનઃસ્થાપિત કરવાનો અને તેનું સૌંદર્યલક્ષી આકર્ષણ વધારવાનો છે.
બગીચામાં જે વૃક્ષો પહેલેથી હતા એને જાળવવામાં આવ્યા છે, અને વૉકવે તેમજ બગીચાની આસપાસ દેશી પ્રજાતિઓના વૃક્ષોને ઉછેરવામાં આવ્યા છે, જેથી પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓ માટે કુદરતી નિવાસસ્થાન બનાવી શકાય. તમામ વયજૂથના નાગરિકોને ધ્યાનમાં રાખીને આ બગીચાનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ પ્રવૃત્તિઓ માટેના સ્થળો પણ વિકસિત કરવામાં આવ્યા છે, જેમાં ખુલ્લો લૉન વિસ્તાર, બાળકોને રમવા માટેનો વિસ્તાર, ઓપન જિમ એરિયા એટલે કે શારીરિક કસરતો કરવા માટેનો વિસ્તાર, યોગ અને નોલેજ સેન્ટરનો સમાવેશ થાય છે. બગીચાની મધ્યમાં શ્વેત અશ્વોનું એક આકર્ષક ફાઉન્ટેન સ્કલ્પચર પણ બનાવવામાં આવ્યું છે, જે આ બગીચાના સૌંદર્યમાં વધારો કરે છે. ₹1.26 કરોડના ખર્ચે 10,936.35 ચોરસમીટર વિસ્તારમાં સમગ્ર ભવાની ગાર્ડન વિકસિત કરવામાં આવ્યો છે, જેનો શહેરીજનો ભરપૂર લાભ મેળવી રહ્યા છે.
₹2.25 કરોડના ખર્ચે પાલનપુર નગરપાલિકામાં કૈલાસવાટિકા ગાર્ડનનો પુનઃવિકાસ
પાલનપુર નગરપાલિકામાં શહરીજનોના મનોરંજન માટે ₹2.25 કરોડના ખર્ચે 10,000 ચોરસમીટર વિસ્તારમાં કૈલાસવાટિકાનો પુનઃવિકાસ કરવામાં આવ્યો છે. આ બગીચામાં શહેરીજનોના લાભાર્થે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે, જેમાં બાળકોના રમવા માટેનો એરિયા અને તેના સાધનો, દીવ્યાંગો માટેની વિશિષ્ટ સુવિધાઓ, ગઝેબો, બેઠક વ્યવસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે. કૈલાસવાટિકા આજે પાલનપુરના નાગરિકો માટે નંદનવન બની છે.
આ જ રીતે વિવિધ નગરપાલિકા વિસ્તારોમાં 70 જેટલા બાગ-બગીચાઓને શહરીજનોના લાભાર્થે વિકસિત કરવામાં આવ્યા છે, અને અન્ય 61 જેટલા બગીચાઓનું કામ પ્રગતિમાં છે. AMRUT 2.0 હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં આવા ગ્રીન સ્પેસ બનાવવાનો ઉદ્દેશ ટકાઉ, સમાવિષ્ટ અને સમુદાય કેન્દ્રિત શહેરી વાતાવરણને પ્રોત્સાહન આપવાનો તેમજ શહેરીજનોના જીવનની ગુણવત્તામાં વધારો કરવાનો છે. સાથે જ આવા બાગબગીચાઓ શહેરી હવાની ગુણવત્તાને પણ વધુ બહેતર બનાવે છે, તેમજ ગીચ શહેરી વિસ્તારોમાં ઇકોલોજીકલ સંતુલનને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. સ્થાનિક છોડવાંઓ અને વૃક્ષોના એકીકરણ દ્વારા, આ ગ્રીનસ્પેસ સ્થાનિક જૈવવિવિધતાને ટેકો આપે છે અને તેના માટે ઓછા પાણી અને જાળવણીની જરૂર પડે છે.
એકંદરે, AMRUT 2.0 પ્રોજેક્ટના અમલીકરણથી ગુજરાતના શહેરી જીવનમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે, જેનાથી શહેરો અને નગરોમાં ટકાઉપણું, સ્થિતિસ્થાપકતા અને સુખાકારીને વેગ મળી રહ્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





