ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (GSCOE) દ્વારા શેરબજારમાં ભારે નફાની લાલચ આપી રોકાણકારોને છેતરનાર એક સુવ્યવસ્થિત સાયબર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગે 126 બેંક ખાતાઓનો ઉપયોગ કરીને ગુજરાત સહિત દેશના 27 રાજ્યોમાં 460 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી.
નકલી એપ અને વોટ્સએપ ગ્રુપથી ફસાવાતા રોકાણકારો
અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓ વોટ્સએપ મારફતે લોકોને સંપર્ક કરી પોતાને રજિસ્ટર્ડ બ્રોકર કંપનીના અધિકારી તરીકે ઓળખાવતા હતા. બાદમાં ભોગ બનનારાઓને વોટ્સએપ ગ્રુપમાં ઉમેરીને “ROCKCREEAK” નામની નકલી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવાતી હતી.
આ એપ મારફતે:
રજીસ્ટ્રેશન, લોગિન અને વેરિફિકેશન કરાવવામાં આવતુ
શેર ટ્રેડિંગ માટે વિવિધ બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવાતાં
વોલેટમાં ખોટો, જંગી નફો બતાવવામાં આવતો
પૈસા ઉપાડવાની વિનંતી પર “Under Process” બતાવી રકમ અટકાવી લેવાતી
આ રીતે ગેંગે માર્જિન મની અને અન્ય ચાર્જના બહાને ફરિયાદી અને તેમના પરિવાર પાસેથી ₹3,90,30,047ની છેતરપિંડી કરી હતી.
ટેકનોલોજીથી આરોપીઓ સુધી પહોંચેલી પોલીસ
સાયબર પોલીસએ બેંક ખાતાઓ, મોબાઇલ નંબર, ટાવર ડમ્પ અને ટેકનિકલ વિશ્લેષણના આધારે આરોપીઓના લાઈવ લોકેશન ટ્રેસ કર્યા. ત્યારબાદ થરાદ અને ભરૂચમાં દરોડા પાડી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
ઝડપાયેલા આરોપીઓ:
રામાભાઈ લાલજીભાઈ પંડ્યા – બેંક ખાતા સપ્લાયર
દર્શનકુમાર હરેશભાઈ પુરોહિત – ખાતા ધારક
અમરતભાઈ હમીરભાઈ જોષી – બેંક ખાતા ચલાવનાર
રઘુરામ ભુરાભાઈ પાંડવ – બેંક ખાતા ચલાવનાર
પોલીસે આરોપીઓ પાસેથી 9 મોબાઇલ ફોન, 2 લેપટોપ, 13 ચેકબુક/પાસબુક અને 7 ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે.
11.83 કરોડની પુષ્ટિ થયેલી છેતરપિંડી
તપાસ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી અનેક ફરિયાદો સામે આવી છે. અત્યાર સુધીમાં ₹11,83,52,468ની છેતરપિંડી પુષ્ટિ થઈ છે. ફરિયાદો નીચેના રાજ્યોમાંથી નોંધાઈ છે:
ગુજરાત – 3
કર્ણાટક – 10
મહારાષ્ટ્ર – 6
હરિયાણા – 1
તમિલનાડુ – 2
ઉત્તરપ્રદેશ – 2
તેલંગાણા – 3
આંધ્રપ્રદેશ – 1
પશ્ચિમ બંગાળ – 1
ઝારખંડ – 1
460 કરોડનો ફ્રોડ, 27 રાજ્યોમાં ફેલાયેલું જાળું
આરોપીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, 126 બેંક ખાતાઓ મારફતે દેશભરમાં 460 કરોડથી વધુની રકમનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. આ ફ્રોડ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, તેલંગાણા સહિત 20થી વધુ રાજ્યોમાં ફેલાયેલો હતો.
ગેંગનું મોડસ ઓપરેન્ડી
આ ગેંગ રોકાણકારોના પૈસા અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા કરાવીને પછી RTGS, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અને આંતરરાજ્ય ટ્રાન્સફર દ્વારા સાયબર સિન્ડિકેટના અન્ય સભ્યો સુધી પહોંચાડતી હતી. દરેક ટ્રાન્ઝેક્શન પર પોતાનું કમિશન મેળવી ગેંગ ગુનાને અંજામ આપતી હતી.
નાગરિકો માટે GSCOEની મહત્વની ચેતવણી
સાયબર છેતરપિંડીથી બચવા GSCOE દ્વારા નાગરિકોને નીચે મુજબની સલાહ આપવામાં આવી છે:
– ટૂંકા ગાળામાં મોટો નફો આપતી સ્કીમોથી સાવચેત રહો
– પોતાનું બેંક ખાતું અથવા સિમકાર્ડ કોઈને ન આપો
– કોઈ ખાતા કે સિમની માંગ કરે તો તરત પોલીસ અથવા સાયબર ક્રાઈમને જાણ કરો
– રોકાણ કરતા પહેલા કંપની SEBI, RBI અથવા અન્ય રેગ્યુલેટરી સંસ્થામાં રજિસ્ટર્ડ છે કે નહીં તે ચકાસો
– સાયબર ગુનાની ઘટનામાં ‘ગોલ્ડન અવર’ દરમિયાન 1930 પર સંપર્ક કરો
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






