ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 30-01-2026 થી તા. 01-02-2026 (મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ) દરમિયાન ભવ્ય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026′ નું આયોજન કરાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ષ 2008માં ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ફેબ્રુઆરી 2014માં થયું હતું. અંદાજે રૂ. 61.57 કરોડના ખર્ચે નિર્મિત આ પરિક્રમા માર્ગમાં ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈ શકે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ મહોત્સવમાં ભાગ લેવા માટે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યાત્રાળુઓ માટે અંબિકા ભોજનાલય, GMDC, માંગલ્યવન, RTO સર્કલ અને આર્ટસ કોલેજ ખાતે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે.
પરિક્રમા મહોત્સવ દરમિયાન પરિક્રમા પથ, શક્તિપીઠ સંકુલ તથા મુખ્ય મંદિર પરિસરને આકર્ષક અને દિવ્ય માહોલ સર્જે તે રીતે વિશેષ રંગીન લાઈટિંગ, ડેકોરેશન અને ઇલ્યુમિનેશનથી શણગારવામાં આવશે. રાત્રિના સમયે સમગ્ર પરિક્રમા માર્ગ ઝગમગાટથી ઝળહળી ઊઠશે, જે શ્રદ્ધાળુઓ માટે અનોખો આધ્યાત્મિક અનુભવ આપશે. આ સાથે મહોત્સવને લોક સંસ્કૃતિનો રંગ આપવા માટે પરંપરાગત આદિવાસી નૃત્ય, ઢોલ-નગારાં, લોક વાદ્યો અને લોક કલાકારોના કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ અને ભક્તિ ભાવનું સુંદર સંમિશ્રણ દર્શાવવામાં આવશે. આ ભવ્ય આયોજનથી અંબાજીમાં ભક્તિ, આસ્થા અને લોક સંસ્કૃતિનો અનન્ય ત્રિવેણી સંગમ સર્જાશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






