વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ઋષિકેશ પટેલે આરોગ્ય સુવિધાઓમાં મોટા સુધારા અંગે મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું કે, 2025-26ના બજેટમાં આરોગ્ય વિભાગ માટે 16.35% નો વધારો કરવામાં આવ્યો છે. જે માટે કુલ ₹23,385.33 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રીએ જાહેર કર્યું કે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયતત સંસ્થા સ્થાપિત કરવામાં આવશે. આ સંસ્થા મગજ અને નર્વસ સિસ્ટમના રોગો માટે નવીન સારવાર, તેમજ ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમ માટે સહાયરૂપ બનશે. સાથે જ આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ભવિષ્યમાં આ સંસ્થા સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ અન્ય વિસ્તારોમાં પણ સેટેલાઈટ સેન્ટરો શરૂ કરાશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરાશે, જે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ દ્વારા સંચાલિત થશે. ઋષિકેશ પટેલે જાહેરાત કરી કે યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી, અમદાવાદ દ્વારા ગાંધીનગર અને સુરત ખાતે કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી વિભાગ શરૂ કરાશે. રાજકોટ અને ભાવનગર ખાતે કાર્ડિયોલોજી સેટેલાઈટ સેન્ટરો કાર્યરત કરાશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યની 6 સરકારી સિવિલ હોસ્પિટલોમાં 60 પથારીના પેલિયેટિવ કેર વોર્ડ શરૂ કરાશે. સાથે જ આઈ.સી.યુ. વિભાગોમાં પથારીઓનો વધારો અને નવા ક્રિટીકલ કેર મેડિસીન વિભાગો શરૂ કરાશે.આ સાથે જ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની મેડિકલ કોલેજો, એમ.એન્ડ.જે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ્થાલ્મોલોજી અને સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ માટે ₹100 કરોડના તબીબી સાધનો ઉપલબ્ધ કરાશે. સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે 40 બેડનો કિડની વિભાગ શરૂ કરાશે.
–> 200 નવી 108 એમ્બ્યુલન્સ સેવાઓમાં વધારો:-
ઋષિકેશ પટેલે જાહેરાત કરી કે ₹48 કરોડના ખર્ચે 200 નવી 108 એમ્બ્યુલન્સ રાજ્યમાં ઉમેરાશે.આ જાહેરાતો સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ પગલાંઓ દ્વારા રાજ્યના નાગરિકોને વધુ સારો આરોગ્યલાભ પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.






