પ્રખ્યાત તમિલ ફિલ્મ દિગ્દર્શક ભારતીરાજાના પુત્ર અને અભિનેતા મનોજ ભારતીરાજનું 48 વર્ષની વયે અવસાન થયું. મંગળવારે સાંજે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું. તેમના મૃત્યુથી ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકોને ખૂબ જ આઘાત લાગ્યો છે. આ માહિતી તેમના સંગઠન નાદિગર સંગમ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે, “દિગ્દર્શક ભારતીરાજાના પુત્ર મનોજ ભારતીરાજનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું.”
–> એમકે સ્ટાલિને શોક વ્યક્ત કર્યો:- તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ સ્ટાલિને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, “અભિનેતા અને દિગ્દર્શક ભારતીરાજાના પુત્ર શ્રી મનોજ ભારતીના અવસાનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. આટલી નાની ઉંમરે તેમનું અણધાર્યું અવસાન અત્યંત દુઃખદ છે. હું દિગ્દર્શક ઇમાયમ ભારતીરાજા, તેમના પરિવાર અને ફિલ્મ ઉદ્યોગના મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”
–> સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું:- મનોજ ભારતીરાજાના નિધનથી તમિલ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેત્રી ખુશ્બુ સુંદર અને દિગ્દર્શક વેંકટ પ્રભુએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ખુશ્બુ સુંદરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, “મને એ સાંભળીને આઘાત લાગ્યો છે કે મનોજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના આકસ્મિક અવસાનથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેઓ માત્ર 48 વર્ષના હતા. ભગવાન તેમના પિતા ભારતીરાજા અને તેમના પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ આપે. મનોજ, તમારી ખોટ સાલશે. ઓમ શાંતિ.”
–>૧૯૯૯માં અભિનય શરૂ કર્યો:- મનોજ ભારતીરાજાએ ૧૯૯૯માં આવેલી ફિલ્મ ‘તાજમહેલ’થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન તેમના પિતા ભારતીરાજાએ કર્યું હતું. આ પછી, તેમણે ‘ઇરા નીલમ’ અને ‘વરુષમેલ્લામ વસંતમ’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તમને જણાવી દઈએ કે મનોજે 2023 માં રોમેન્ટિક ડ્રામા ‘માર્ગાજી થિંગલ’ થી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું હતું. મનોજ છેલ્લે 2024 માં પ્રાઇમ વિડિયોની ‘સ્નેક્સ એન્ડ લેડર્સ’ માં જોવા મળ્યા હતા.








