RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તકો,ગણવેશ અને સહાય આપનારું ગુજરાત દેશનું પ્રથમ-રાજય બન્યું છે. વડોદરા અને જુનાગઢ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું કે, રાજ્યમાં આરટીઈ એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો નિયત કરવામાં આવી છે. આ માટે નિયત આવક ધરાવતાં વિદ્યાર્થીઓના વાલીઓએ ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહે છે.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં તા. ૧ એપ્રિલ, ૨૦૧૦થી આરટીઈ એક્ટ-૨૦૦૯ અમલી છે. જે મુજબ, શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦ લાખ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧.૨૦ લાખની વાર્ષિક આવક ધરાવતાં પરિવારોનાં બાળકોને આ કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવે છે. જે અંતર્ગત, આરટીઈ એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ માટે ૨૫ ટકા બેઠકોની સંખ્યા આગળના વર્ષમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. આ માટે ઓનલાઇન પોર્ટલ પર વાલીએ તેમના રહેઠાણથી ૬ કિ.મી. વિસ્તારમાં આવેલી ખાનગી શાળાઓની અગ્રતાક્રમ અનુસાર પસંદગી દર્શાવવાની રહે છે.
વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષમાં જુનાગઢ જિલ્લાની ૪૪૧ શાળામાં ૧૪૫૧ વિદ્યાર્થીઓને, વડોદરા જિલ્લાની ૧૫૮ શાળામાં ૭૯૬ વિદ્યાર્થીઓને તથા વડોદરા શહેરની ૩૩૧ શાળામાં ૩૭૨૬ વિદ્યાર્થીઓને આ કાયદા હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે.આ જ પ્રકારે, વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષમાં જુનાગઢ જિલ્લાની ૪૨૬ શાળામાં ૬૯૪ વિદ્યાર્થીઓને, વડોદરા જિલ્લાની ૧૬૪ શાળામાં ૮૩૧ વિદ્યાર્થીઓને તથા વડોદરા શહેરની ૩૩૬ શાળામાં ૨૭૩૫ વિદ્યાર્થીઓને આ કાયદા હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે તેમ શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રી ડિંડોરે કહ્યું કે વર્ષ ૨૦૧૫-૧૬થી દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા આરટીઈ એક્ટ-૨૦૦૯ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પુસ્તકો, ગણવેશ, સ્કૂલબેગ માટે વિદ્યાર્થીદીઠ રૂ. ૩૦૦૦ સીધા તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ જ પ્રકારે, આવી દરેક શાળાને પણ વિદ્યાર્થીદીઠ ચૂકવાતી રકમમાં વર્ષ ૨૦૨૨-૨૩થી વધારો કરીને હાલ રૂ. ૧૩,૬૭૫ની રકમ સીધી જ બૅન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








