અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં હૃદયદ્રાવક ઘટના બાદ વધુ એક હુમલો થયો છે. આ વખતે એક હુમલાખોરે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં 11 લોકોને ગોળી મારી દીધી છે. ક્વીન્સના એમેઝુરા નાઈટક્લબની આ ઘટના છે… 1 જાન્યુઆરીએ રાત્રે લગભગ 11:45 વાગ્યે અમઝુરા ઈવેન્ટ હોલ પાસે ફાયરિંગ થયું હતું.ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ઘટના બાદ, NYPD યુનિટ ઈવેન્ટ હોલ પાસે એકત્ર થઈ ગયું છે અને ઘટના સ્થળની તપાસ કરી રહ્યું છે. સિટીઝન એપના અહેવાલ મુજબ ફાયરિંગમાં સામેલ બે શકમંદ હજુ પણ ફરાર છે.
-> ફાયરિંગ બાદ હંગામો મચી ગયો હતો :- અમેજુરા ઇવેન્ટ હોલ જમૈકા લોંગ આઇલેન્ડ રેલ રોડ સ્ટેશનથી થોડાક અંતરે સ્થિત છે. જ્યાં રાત્રે લગભગ 11.45 વાગે ગોળીબારનો અવાજ સંભળાવા લાગ્યો, ત્યારબાદ અફરાતફરી મચી ગઈ. આ દરમિયાન કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ પરિસ્થિતિને સંભાળવા માટે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને SWAT ટીમો પણ તૈનાત કરી. તેઓએ સુરક્ષાના કારણોસર આસપાસના રસ્તાઓ બંધ કરી દીધા હતા. જો કે, અધિકારીઓએ હજુ સુધી કોઈ શંકાસ્પદની ઓળખ કરી નથી.
-> પોલીસ ઘરમાં જઈને તપાસ કરી રહી છે :- ન્યૂયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટ અને અન્ય સ્થાનિક એજન્સીઓની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને પીડિતોને મદદ કરી રહી છે. આ સિવાય પોલીસ નજીકના ઘરોમાં તપાસ કરી રહી છે અને ઘટના વિશે વધુ માહિતી મેળવવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
-> સેન્ટ્રલ ન્યૂ ઓર્લિયન્સની ઘટના :- મહત્વનું છે કે આ અગાઉના થોડા જ કલાકો પહેલા નવા વર્ષના દિવસે સેન્ટ્રલ ન્યૂ ઓર્લિયન્સમાં એક કાર ભીડમાં ઘૂસી ગઈ હતી, જેમાં 15 લોકો માર્યા ગયા હતા અને 30 થી વધુ ઘાયલ થયા હતા. એનબીસી ન્યૂઝના અહેવાલ મુજબ પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ગોળી મારીને મારી નાખ્યો હતો, જેની ઓળખ 42 વર્ષીય શમસુદ દીન જબ્બર તરીકે થઈ હતી.








