મહેસાણા શહેરમાં આજે અચાનક કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ દ્વારા અગાઉ માવઠાની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ સાંજના સમયે અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા.
વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીંજાઈ ગયા હતા. વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને રવિ પાકના ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ માવઠું થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે તે કારણે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી બે દિવસ ઠંડી વધવાની શક્યતા
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન અસ્થિર બન્યું છે. આગામી 24 કલાક દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, ત્યારબાદ સતત બે દિવસ સુધી ઠંડીનું જોર વધશે.
રાજ્યમાં તાપમાનની સ્થિતિ
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે નલિયામાં રાજ્યનું સૌથી નીચું તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. લોકોને ઠંડી અને વરસાદને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.
ઉત્તર ભારતના રાજ્યોમાં પણ હવામાન પલટો
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ત્રણ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. દિલ્હી-NCR સહિત ઉત્તર પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
IMD દ્વારા લોકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા, ગરમ કપડાં પહેરવા અને બાળકો તથા વૃદ્ધોની ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






