સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગે દેશના વિકાસમાં ભારતીય સમુદાયના યોગદાનની હૃદયપૂર્વક પ્રશંસા કરી છે. વ્યવસાય, ઉદ્યોગ અને જાહેર જીવનના ઘણા ક્ષેત્રોમાં ભારતીયોની ભૂમિકાનો સ્વીકાર કરતા તેમણે કહ્યું, “તમે એક નાનો સમુદાય હોઈ શકો છો, પરંતુ તમારું યોગદાન અને પ્રભાવ નાનો ન હોઈ શકે.”
વડાપ્રધાન લોરેન્સ વોંગે કહ્યું કે, “તમે સિંગાપોરની ભાવનાનું પ્રતિબિંબ છો. તમારી વાર્તા સિંગાપોરની વાર્તા છે,” પીએમ વોંગે કહ્યું. તેમણે ભારતીય સમુદાય સાથેના સંવાદ કાર્યક્રમ દરમિયાન આ વાત કહી, જ્યાં તેમણે ભારતીય મૂળના લોકો અંગે પીપલ્સ એક્શન પાર્ટી (PAP) ની ભાવિ વ્યૂહરચના પણ શેર કરી.
આગામી ચૂંટણીઓમાં ભારતીય ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે
પીએમ વોંગે જણાવ્યું હતું કે આગામી સામાન્ય ચૂંટણીઓમાં PAP દ્વારા ભારતીય સમુદાયના નવા ચહેરાઓને પણ ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે. જોકે, તેમણે હાલમાં કોઈ નામ જાહેર કર્યું નથી.
આ નામો ચર્ચામાં
• દિનેશ બાસુ દાસ (ભૂતપૂર્વ સીઈઓ, એજન્સી ફોર ઇન્ટિગ્રેટેડ કેર)
• કવલ પાલ સિંઘ (મેનેજિંગ પાર્ટનર, લો ફર્મ ટીટો આઇઝેક એન્ડ કંપની)
• જગતેશ્વરન રાજો (વરિષ્ઠ ટ્રેડ યુનિયન લીડર)
• ડૉ. હમીદ રઝાક (પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન)
2020 માં લાગ્યો હતો આ આરોપ
ઉલ્લેખનીય છે કે 2020ની સામાન્ય ચૂંટણીમાં, PAP એ 27 નવા ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તેમાંથી કોઈ પણ ભારતીય મૂળનો નહોતો. આ પછી, પાર્ટી પર લઘુમતી સમુદાયની અવગણના કરવાનો આરોપ મૂકવામાં આવ્યો.
વસ્તી મુજબ ઓછું પ્રતિનિધિત્વ
2024ની વસ્તી ગણતરી મુજબ, 7.6 % સિંગાપોરની વસ્તી ભારતીય મૂળની છે, જ્યારે મલય 15.1% અને ચીની 75.6% છે. ભારતીય સમુદાય લાંબા સમયથી સિંગાપોરના સામાજિક અને આર્થિક માળખાનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.






