ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજે અચાનક આવેલા વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદે લોકો અને ખેડૂતો બંનેને અજંપામાં મૂકી દીધા. રાજયના ચોટીલા, કચ્છ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, અને બોટાદ જેવા શહેરોમાં એક સાથે પવન, કરા, અને ધૂળભરી આંધીનો અનુભવ થયો.
અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે હોર્ડિંગ પડવાની ઘટના બની છે. જેના કારણે ટ્રાફિક સિગ્નલને પણ નુકસાન થયું હતું
અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, શહેરમાં સાંજના સમયે મિનિ વાવાઝોડાની માફક ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. બોપલ વિસ્તારમાં ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડી અમદાવાદ શહેરમાં સાંજના સમયે વાતાવરણ અચાનક પલટાયું હતું. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા.
કચ્છમાં વાસણો ભરાય તેટલા કરા:- કચ્છના કેટલાક વિસ્તારોમાં તો કરા એટલા વરસ્યા કે વાસણો પણ ઓછી પડી જાય એવી સ્થિતિ બની. કરા સાથેનો આ વરસાદ ખેડૂતો માટે શાપ સમાન સાબિત થયો છે કારણ કે પાકને નુકસાનની દહેશત ઉભી થઈ છે.
ચોટીલામાં રસ્તા પાણી પાણી:- ચોટીલામાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા. પાણીની સાથે કરા પડતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજકોટમાં દિવસે પણ વાહન લાઇટ ચાલુ કરવી પડી:- રાજકોટના યાજ્ઞિક રોડ, રેસકોર્સ, અને નાનામૌવા વિસ્તારમાં વરસાદ અને પવનના કારણે ટ્રાફિક ઠપ થવાના હાલત સર્જાઈ. દ્રશ્યતા એટલી ઘટી ગઈ કે વાહનચાલકોને દિવસે પણ લાઇટ ચાલુ રાખવી પડી.
વડોદરામાં ઝાડ પડી ગયા, લોકોનું રેસ્ક્યૂ:- કારેલીબાગ વિસ્તારમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં ચાર લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદના દ્રશ્યોએ અંધારપટ સર્જી દીધો.
બોટાદમાં હોર્ડિંગ ધરાશાયી, લોકો દોડ્યા બચવા:- ભાવનગર રોડ પર ભારે પવનના કારણે એક મહાકાય હોર્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ખંભાત, રાપર અને અન્ય વિસ્તારમાં ધૂળના વંટોળ અને પાકનું નુકસાન:- ખંભાતમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો તો રાપર તાલુકાના ધોળાવીરા સહિતના વિસ્તારોમાં કરાના વરસાદથી ખેડૂતો પાક સુરક્ષા અંગે ચિંતિત થયા.
હવામાન વિભાગે આગાહી કરી હતી:-આમ જાણકાર હવામાન વિભાગે આ પલટાની આગાહી પહેલેથી જ આપી હતી. પરંતુ જે રીતે પવન, કરા, અને વરસાદે ત્રાસ આપ્યો છે, તે ખરેખર અષાઢી સીઝનની યાદ અપાવે છે — એ પણ વૈશાખમાં!






