હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં મંગળવારના રોજ પર્વત પરથી પડેલા ભારે પથ્થરો અને કાટમાળ એક બસ પર પડતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોને જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે ઘણા લોકો હજુ પણ કાટમાળ હેઠળ દબાયેલા હોવાની આશંકા છે.
દુર્ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ અને એનડીઆરએફ ટીમ સાથે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડીસી રાહુલ કુમારએ જણાવ્યું કે, “અત્યાર સુધીમાં 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ત્રણ લોકોને જીવતાણે બચાવવામાં આવ્યા છે.”
PM મોદીએ જાહેર કરી આર્થિક સહાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાને લઇ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “હિમાચલના બિલાસપુરમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાનથી હું દુઃખી છું. મારી સંવેદના અસરગ્રસ્ત પરિવારો સાથે છે.”
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, મૃતકના પરિવારોને ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 ની સહાય PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ)માંથી આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો શોક સંદેશ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “બિલાસપુરમાં થયેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પ્રાણ ગુમાવ્યા જે ખૂબ જ દુઃખદ છે. મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે અને ઈજાગ્રસ્તોને જલદી સ્વસ્થતા મળે તેવી કામના.”
મુખ્યમંત્રીએ આપ્યો સહયોગનો વિશ્વાસ
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, “રાજ્ય સરકાર અસરગ્રસ્ત પરિવારોની સાથે છે અને તેમને તમામ રીતે મદદ કરવામાં આવશે.”






